નાની વયે સ્વાસ્થ્ય લક્ષી સમસ્યામાંથી પસાર થયા બાદ અમદાવાદના મૌલિક બારોટે શરૂ કર્યા નિઃશુલ્ક યોગ તાલીમ વર્ગો
Live TV
-
અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા મૌલિક બારોટે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે યોગ શીખવવા નિઃશુલ્ક યોગ તાલીમ વર્ગો શરુ કર્યા છે. 29 વર્ષની નાની વયે સ્વાસ્થ્ય લક્ષી સમસ્યામાંથી પસાર થયા બાદ સંકલ્પ લીધો હતો કે, સ્વાસ્થ્ય માટે જીવનશૈલીમાં બદલાવ અને યોગ અભ્યાસ જરૂરી છે. તેથી તેઓેએ નિઃશુલ્ક યોગ તાલીમ વર્ગો શરુ કર્યા છે.
મૌલિક બારોટે જણાવ્યું હતું કે, અનિયમિત જીવનશૈલી, બેઠાડું જીવન હોવાને કારણે 2018માં તેમનું વજન 100 કિલોને પાર થઈ ગયું હતું. તેમજ એસિડિટી, પિત્ત, કફ, હાઇપર ટેન્શન, તણાવ, મેદસ્વીપણું, કોલેસ્ટરોલ, કબજિયાત, શ્વાસ ફૂલી જવો વગેરે જેવા રોગોથી પરેશાન હતા. ત્યારબાદ તેઓએ દરરોજ સવારે એક કલાક ચાલવાનું શરૂ કર્યું, તેમજ બગીચામાં વડીલો પાસેથી યોગ અભ્યાસ શરૂ કર્યો હતો. વિવિધ પ્રકારના તાલીમ વર્ગો અને ઓનલાઇન માર્ગદર્શન પ્રાપ્ત કરી તેઓએ યોગકળા હસ્તગત કરી હતી. અને પછીથી નિ:શુલ્ક યોગ અભ્યાસ વર્ગો પણ તેમણે શરૂ કર્યા હતા. તેમણે તેમની સાથે રહેલા અન્ય લોકોને પણ યોગ ટ્રેનર તરીકે તાલીમ આપી હતી. તેમણે આશરે 400થી વધુ લોકોને યોગ ટ્રેનર તરીકે તાલીમ આપી છે. આ ટ્રેનર્સ દરરોજ અમદાવાદના વિસ્તારો, સોસાયટી, બાગ બગીચા, ખુલ્લા મેદાનમાં નિઃશુલ્ક યોગક્લાસ ચલાવી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યોગને માનવમાત્ર માટે નિરોગી રહેવાનું વરદાન ગણાવે છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મૌલિકભાઈ માટે યોગકળાની પ્રેરણાનો મુખ્ય સ્ત્રોત બની ગયા છે.
મૌલિક બારોટ ગુજરાત યોગ બોર્ડમાં અમદાવાદ મહાનગરપાલિકાના યોગ કોઓર્ડીનેટર તરીકે કાર્યરત છે. શહેરીજનોમાં યોગ માટે જાગૃતતા આવે તે હેતુથી તેઓ વિશેષ કાર્યક્રમોના આયોજનમાં મોખરે રહેતા હોય છે. તેઓ વિવિધ વિસ્તારોમાં યોગ શિબિર, યોગ સંવાદ, યોગ જાગૃતિ રેલી, હર ઘર ધ્યાન શિબિર, યોગોત્સવ, G20 યોગ શિબિર, ઓફિસ યોગ, બાળકો માટે સમર યોગ કેમ્પ, જિલ્લા અને રાજ્ય કક્ષા યોગ સ્પર્ધા સાહિતના અનેક આયોજનમાં તેઓ સહભાગી થતા હોય છે.