Skip to main content
Settings Settings for Dark

પાટણ : ધારપુર જનરલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં હવે રોબૉટ સેવા આપશે

Live TV

X
  • ધાર-બૉટ દ્વારા COVID19ના દર્દીઓને વોર્ડમાં પાણી, ભોજન અને દવા પહોંચાડવા ઉપરાંત ઓબ્ઝર્વેશન અને કમ્યુનિકેશન પણ કરી શકાશે

    માહિતી વિભાગ,પાટણ : પાટણ જિલ્લાની ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે ટેક્નોલોજીના ઉપયોગથી અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. COVID19 પોઝીટીવ દર્દીઓ સાથે મેડિકલ અને પેરા-મેડિકલ સ્ટાફના સંપર્કની ફ્રિક્વન્સીમાં ઘટાડો કરી શકાય તે માટે ‘ધાર-બૉટ’ નામનો રોબૉટ તૈયાર કરવામાં આવ્યો છે. જે આઈસોલેશન વોર્ડમાં રહેલા દર્દીને દવા, પાણી અને ભોજન પહોંચાડવા ઉપરાંત સેનેટાઈઝેશન પણ કરશે. જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે ધારપુર મેડિકલ કૉલેજ ખાતે આ રોબૉટનું નિરિક્ષણ કરી આ ઈનોવેશનની પ્રશંસા કરી હતી. નોવેલ કોરોના વાયરસની મહામારીને નાથવા ડૉક્ટર્સ સહિતનો મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ રાત-દિવસ ફરજ બજાવી રહ્યો છે. આ કોરોના વોરિયર્સ જીવના જોખમે COVID19 પોઝીટીવ દર્દીઓની સારવાર કરી રહ્યા છે ત્યારે તેઓને સંક્રમણનું જોખમ ઘટે તે માટે તૈયાર કરવામાં આવેલા ‘ધાર-બૉટ’નો જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલની ઉપસ્થિતિમાં ધારપુર મેડિકલ કૉલેજ ખાતે ડૅમો કરવામાં આવ્યો હતો. કૉલેજ સંકુલમાં ચાર ડમી પેશન્ટ્સને રોબૉટ દ્વારા દવા અને પાણી પહોંચાડી તેનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું. 

    જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે જણાવ્યું કે, આઈસોલેશન વોર્ડમાં કામ કરી રહેલા કોરોના વોરિયર્સના સમય-શક્તિના બચાવ સાથે તેમની સુરક્ષાને ધ્યાને લઈ તૈયાર કરવામાં આવેલા ‘ધાર-બૉટ’ની સુવિધા સરાહનીય છે. ધારપુર હોસ્પિટલની ટીમના આઈડિયા અને પાટણના યુવાનો દ્વારા સંયુક્તપણે તૈયાર કરવામાં આવેલું આ ઈનોવેશન પાટણ જિલ્લાને અને સમગ્ર દેશને કોરોના સામેના જંગમાં એક નવો રાહ ચિંધે છે. વધુમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, પાટણ જેવા નાના શહેરના યુવાનોએ ગંભીર પરિસ્થિતિમાં સહાયરૂપ થાય તેવું ઈનોવેશન રજૂ કર્યું છે. લોકાડાઉનના સમયમાં પણ યુવામિત્રો તેમના કૌશલનો ઉપયોગ કરશે તો આ મહામારી સામે લડવા નવા ઈનોવેશન ચોક્કસ મદદરૂપ થશે. 

    શું ખાસ છે ‘ધાર-બૉટ’માં...?

    સંપર્કથી ફેલાતા આ વાયરસના ચેપની શક્યતાઓ ઘટાડવા ઉપયોગી ‘ધાર-બૉટ’ નામનો આ રોબૉટ સંપૂર્ણપણે ‘ટચ-ફ્રી’ છે. બ્લ્યુટુથ ટેક્નોલોજીથી સજ્જ મોબાઈલ એપ્લિકેશનથી સંચાલીત રોબૉટ થકી દર્દીઓને દવા, પાણી અને ભોજન સહિતની વસ્તુ પહોંચાડવી સરળ બનશે. બેટરી ઑપરેટેડ ‘ધાર-બૉટ’ પર લગાવવામાં આવેલા ૩૬૦ ડીગ્રી વ્યુ કેમેરાથી ડૉક્ટર્સ તેમના વોર્ડમાં બેસીને આઈસોલેશન વોર્ડનું ઓબ્ઝર્વેશન પણ કરી શકાશે. સાથે સાથે ‘ધાર-બૉટ’માં લગાવવામાં આવેલા સ્પીકર્સથી ડૉક્ટર આઈસોલેશન વોર્ડમાં રહેલા દર્દીને સુચના પણ આપી શકશે. ટુ વે કમ્યુનિકેશન ટેક્નિકના ઉપયોગથી તબીબી અધિક્ષકશ્રીને તેમના મોબાઈલમાં આપવામાં આવેલા ખાસ એક્સેસથી તેઓ દર્દી સાથે સીધો સંવાદ પણ કરી શકશે. વધુમાં, ધાર-બૉટમાં ફીટ કરવામાં આવેલા સ્પ્રેયરની મદદથી ડિસ્ચાર્જ થનાર દર્દી તથા તેના બેડને સેનેટાઈઝરના છંટકાવ દ્વારા ડિસઈન્ફેક્ટ પણ કરી શકાશે.

    ધારપુર જનરલ હોસ્પિટલના તબીબી અધિક્ષકશ્રી ડૉ.યોગેશાનંદ ગોસાઈને આવેલા એક વિચારને પાટણ શહેરના બે યુવાનો અનીલભાઈ પટેલ અને પીનાકભાઈ ઠક્કરએ મૂર્ત સ્વરૂપ આપી તૈયાર કરેલા આ રોબૉટથી કોરોના વોરિયર્સ સલામત અંતર રાખી દર્દીઓની સારવાર કરી શકશે. તબીબી અધિક્ષકશ્રીને તેમના મોબાઈલમાં આપવામાં આવેલા ખાસ એક્સેસથી તેઓ દર્દી સાથે સીધો સંવાદ પણ કરી શકશે. આ અંગે વાત કરતાં તબીબી અધિક્ષકશ્રી ડૉ.યોગેશાનંદ ગોસાઈ જણાવે છે કે, આઈસોલેશન વોર્ડમાં દર્દીઓ સાથે સંપર્કમાં આવતો મેડિકલ સ્ટાફ PPE કીટ સાથે જ પ્રવેશે છે. પરંતુ મેડિકલ સ્ટાફના મનમાં ચેપનો કોઈ ડર રહે નહીં અને વધુ સલામત રીતે યોગ્ય સારવાર આપી શકાય તે માટે ‘ધાર-બૉટ’ તૈયાર કરવામાં આવ્યો છે.વૈશ્વિક મહામારી તરીકે ઘોષિત યેલા નોવેલ કોરોના વાયરસ સામે લડવા મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ મહામૂલી મૂડી છે. COVID19 પોઝીટીવ દર્દીઓની સારવાર સમયે કોરોના વોરિયર્સને તેનો ચેપ ન લાગે
    અને વધુ સુરક્ષા સાથે સમયસર અને ઝડપી સારવાર કરી શકાય તે માટે ટેક્નોલોજીના ઉપયોગથી નવીન ઈનોવેશન આશિર્વાદરૂપ સાબિત થશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply