પાણીની પ્લાસ્ટિક બોટલમાં માઇક્રોપ્લાસ્ટિક્સ હોવાનો કોલંબિયા યુનિવર્સિટીનો દાવો
Live TV
-
પ્લાસ્ટિકની બોટલોમાં પાણી પીવાવાળા લોકો માટે એક ચોંકાવનારા સમાચાર છે. કોલંબિયા યુનિવર્સિટી અને રુટગર્સ યુનિવર્સિટીના સંશોધકોએ એક નવા અભ્યાસમાં ખુલાસો કર્યો છે કે એક લિટર બોટલના પાણીમાં સરેરાશ 240,000 જેટલા નાના પ્લાસ્ટિકના ટુકડા જોવા મળે છે. આ સંખ્યા અગાઉના અંદાજ કરતાં 10 થી 100 ગણી વધુ છે. જે ચિંતાનું સૌથી મોટું કારણ છે. પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
આ પહેલા કરવામાં આવેલ અભ્યાસો મુખ્યત્વે મોટા કદના માઇક્રોપ્લાસ્ટિક્સ પર આધારિત હતા, પરંતુ આ નવો અભ્યાસ નેનોપ્લાસ્ટિક્સ પર આધારિત છે. નેનોપ્લાસ્ટિક્સ વાળના વ્યાસ જેટલું નાનું હોય છે અને માઇક્રોપ્લાસ્ટિક્સના ભંગાણથી બને છે. સંશોધકોનાં દાવા મુજબ પહેલા થયેલા અભ્યાસ કરતાં પણ બે થી ત્રણ ગણા વધુ નેનોપ્લાસ્ટિક્સ શોધ્યા છે.
નેનોપ્લાસ્ટિક્સથી થતી સમસ્યાઓ પર નજર કરીએ તો આટલા નાના કદના નેનોપ્લાસ્ટિક સરળતાથી માણસનાં શરીરમાં જઈ લોહીના પ્રવાહમાં પ્રવેશી શકે છે. જેના કારણે બળતરા, ઓક્સિડેટીવ તણાવ, કોષ અને શરીરનાં અંગોને નુકસાન સહિત અનેક સ્વાસ્થ્યનાં જોખમો વધી જાય છે. નેનોપ્લાસ્ટિક્સ હાનિકારક રસાયણો પણ વહન કરી શકે છે. જે આરોગ્યના જોખમોને વધારી શકે છે. તો શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે પ્લાસ્ટિકની બોટલના પાણીને બદલે ઘરમાં રહેલા સ્વચ્છ પાણીને પીવાનું પ્રાધાન્ય આપવું જોઈએ. આ સાથે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ વારંવાર ન કરવો જોઈએ. તેની જગ્યાએ રિસાયકલ કરી શકાય તેવી અથવા સ્ટીલની બોટલનો ઉપયોગ કરવો જોઈએ. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાથી સ્વાસ્થ્યનાં રક્ષણ સાથે પર્યાવરણનું રક્ષણ પણ થશે.