અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 140મું અંગદાન, બે કિડની અને લિવરના દાનથી ત્રણ લોકોને મળ્યુ નવજીવન
Live TV
-
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રહેતા 33 વર્ષના બ્રેઇનડેડ યુવાનના પરિવારજનોએ ગુપ્તદાન રૂપે અંગદાન કર્યું હતુ.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૪૦મું અંગદાન થયું છે. જે વર્ષ ૨૦૨૪નું આ પ્રથમ અંગદાન છે. જો કે આ અંગદાનની મહત્વની બાબત એ હતી કે, મૃતકના પરિવારજનોએ ગુપ્ત દાનરૂપે અંગદાન કર્યું છે. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રહેતા ૩૩ વર્ષના યુવકને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેને બ્રેઇન હેમરેજ થયું હોવાનું માલુમ થતા તેની સારવાર શરૂ કરાઈ હતી. જો કે, તબીબો દ્વારા આ યુવકને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. ત્યાર બાદ તેના પરિવારજનોને જ્યારે સિવિલ હોસ્પિટલની ટીમ અને કાઉન્સેલર્સ દ્વારા અંગદાન અંગેની સમજૂતી અપાઈ હતી. જેના કારણે તેના પરિવારજનો દ્વારા સ્વજનના અંગોનું ગુપ્તદાન કર્યું હતું. જેના અંતર્ગત સિવિલ હોસ્પિટલને તેની બંને કિડની અને લીવરનું દાન મળ્યું હતું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ આ ક્ષણે જણાવ્યું હતું કે, અંગદાનની પ્રવૃત્તિને વેગવંતી બનાવી જરૂરિયાતમંદોને નવજીવન બક્ષવા માટે સમાજના દરેક વર્ગ અને રાજ્યના તમામ લોકોએ એક જૂટ થવું પડશે. અંગદાન અને તેનાથી મળતા જીવનદાનની મહત્વતા સમાજમાં પ્રસરાવી પડશે. તેની જનજાગૃતિ લોકોમાં કેળવાય તેવા સહિયારા પ્રયાસો હાથ ધરવા ડૉ .જોશી એ રાજ્યના તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે.