રાજ્યમાં કોરોના વેક્સિનના બન્ને ડોઝની 100 ટકા રસીકરણ કામગીરીમાં જૂનાગઢ જિલ્લો પ્રથમ
Live TV
-
તાજેતરમાં જ કોરોના વાઇરસના નવા વેરિયેન્ટ ઓમઇક્રોનના કેટલાક કેસો મળી આવતા રાજ્યમાં કોરોના વેક્સિનની કામગીરીને વધુ વેગવંતી બનાવવામાં આવી છે, તેમજ દરેક નાગરિક રસીના બન્ને ડોઝ લઇ કોરોના સામે રક્ષિત થાય તે માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે લોકોને રસીના બંને ડોઝ આપી 100 ટકા રસીકરણ કરવાની કામગીરીમાં સમગ્ર રાજ્યમાં જૂનાગઢ જિલ્લો પ્રથમ ક્રમે છે. જૂનાગઢ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલ રસીકરણ મહાઅભિયાનની પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી પૂર્ણ થયા બાદ બીજા ડોઝમાં પણ 100 ટકા કામગીરી પૂર્ણ કરી જૂનાગઢ જિલ્લો અન્ય જિલ્લાઓ માટે પ્રેરણારૂપ બન્યો છે.
પ્રથમ ડોઝમાં 100 ટકા સફળતા મળ્યા બાદ બીજા ડોઝમાં પણ 10,75,622 ના લક્ષ્યાંક સામે કુલ 10,75,622 લોકોનું રસીકરણ કરીને બીજા ડોઝમાં પણ 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
કોવિડ-19 નું સંક્રમણ અટકાવવા તથા આ વાઇરસથી બચવા વેક્સીનેશન જ એક ઉપાય છે. જેથી કોવિડ-19 ની રસીનો ડોઝ લેવામાં હજુ સુધી કોઈ બાકી રહેલ હોય તેઓને વહેલામાં વહેલી તકે ડોઝ લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. તેમજ કોવિડ-19 મહામારી જ્યાં સુધી સંપૂર્ણપણે નાબુદ ન થાય ત્યા સુધી સરકાર દ્વારા નિયત થયેલ વખતો વખતની માર્ગદર્શિકા મુજબ વેક્સીનેશન મેળવેલ હોય છતા માસ્ક પહેરવા સોશ્યલ ડિસ્ટન્ટ જાળવવા, હાથને વારંવાર સાફ કરવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત હરઘર દસ્તક અભિયાન અંતર્ગત પણ જિલ્લાના આશરે 2,22,236 ઘરોની મુલાકાત લઇ વેક્સીનેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.