વડોદરા: કલેક્ટર કચેરી ખાતે "કેન્સર સામે સતર્કતા" વિષય પર સેમિનાર યોજાયો
Live TV
-
ગુજરાત રાજ્ય પ્રેસ એકેડમી દ્વારા મીડિયા માધ્યમથી વિવિધ શહેરોમાં વિવિધ વિષયો અંગેની લોક જાગૃતિ કેળવવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે વડોદરામાં કલેકટર કચેરી ખાતે "કેન્સર સામે સતર્કતા" વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લા કલેકટર આર.બી.બારડેએ આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. આ સેમિનારમાં કેન્સર જેવા ભયાવહ રોગમાં સતર્કતા, સમયસર રોગ નિદાન અને નિયમિત સારવારને અગત્યના પાસાઓ ગણાવવામાં આવ્યા હતા.
વડોદરા સયાજી હોસ્પિટલના ઓનકોલોજી વિભાગના વડા અને રાષ્ટ્રીયસ્તરના તજજ્ઞ ડૉ. અનિલ ગોયલે આ પ્રસંગે વિવિધ પ્રકારના કેન્સર, તેના લક્ષણો અને રોગ નિદાન માટેની તપાસ તથા સારવાર સુવિધાની વિગતવાર માહિતી આપી હતી. ઉપરાંત સંયુક્ત માહિતી નિયામક ભાવસિંહ રાઠવાએ સહુને આવકાર્યા હતા. તો ડૉ. અનિલ કુમાર ગોયેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે સયાજી હોસ્પિટલના ઓનકોલોજી વિભાગને રુપિયા 25 કરોડની કિંમતના અદ્યતન સાધનોથી સુસજ્જ કર્યો છે.