સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના વડા ડૉ. અમિય મહેતાને QIMPRO સર્ટિફાઇડ ક્વોલિટીસ્ટનું બહુમાન પ્રાપ્ત થયું
Live TV
-
એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી સિવિલ હોસ્પિટલ આજે આરોગ્ય ક્ષેત્રે ઉચ્ચ ગુણવત્તાયુક્ત માપદંડો અને સ્ટેટ ઓફ ધ આર્ટ મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રકચરના લીધે આરોગ્ય સેવાના ક્ષેત્રે અનેકવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહી છે. આજે રાજ્યમાં અંગદાન જેવા મહત્વના ક્ષેત્રે પણ આયોજનપૂર્વકના પ્રયત્નો થકી સમાજમાં જાગૃતિ ફેલાવવામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સફળ રહ્યું છે. અંગદાન ક્ષેત્રે પણ સિવિલ મેડીસીટી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહી છે.
સિવિલ હોસ્પિટલના આરોગ્ય વિભાગના વડા ડૉ. અમીય મહેતાએ પણ પ્રસુતિ સેવાઓ ક્ષેત્રે ગુણવત્તા સુધારણાના કાર્યો બદલ એક ઉચ્ચ બહુમાન પ્રાપ્ત કરીને સિવિલ મેડિસિટીને વધુ એક બહુમાન અપાવ્યું છે. પાછલાં 13 વર્ષોથી NABH સાથે મળીને પ્રસૂતિ સેવાઓ અને અન્ય આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં સુધારા માટે કરેલા અનેકવિધ શ્રેષ્ઠ કર્યો બદલ ડૉ. અમિય મહેતાને QIMPRO સર્ટિફાઇડ ક્વોલિટીસ્ટનું બહુમાન પ્રાપ્ત થયું છે. ડૉ. અમિયા મહેતાને ક્વોલિટી પ્રોફેશનલ્સમાં ઉચ્ચ બહુમાન ગણાતો લેવલ 3 બેજ એનાયત થયો છે. QIMPRO ભારતની સૌથી જૂની ગુણવત્તા કન્સલ્ટન્સી જે તમામ ક્ષેત્રોમાં ક્વોલિટી માપદંડો પર કામગીરી કરે છે.
વર્ષ 1981 થી મેડિકલ પ્રોફેશનમાં વિદ્યાર્થી તરીકે જોડાયેલા ડૉ. અમિય મહેતાએ પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગવિજ્ઞાનમાં અનુસ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી છે. વર્ષ 1991થી તેઓ સરકારી કોલેજમાં મેડિકલ ફેકલ્ટી તરીકે સેવાઓ આપી રહ્યાં છે.
પોતાની કારકિર્દી શરૂ કર્યાના દસેક વર્ષના અનુભવ બાદ ડૉ. અમિય મહેતાએ અનુભવ્યું કે આરોગ્ય ક્ષેત્રે દર્દીની જરૂરિયાતો, સુવિધાઓ અને માનકીકરણની જરૂરી સમજના અભાવને કારણે ઊભી થતી ગૂંચવણોના લીધે ક્લાયન્ટ ક્લિનિકલ સર્વિસિસમાં અનેક ખામીઓ રહેલી હતી. આ ખામીઓ સુધારીને દર્દીને શ્રેષ્ઠ અને સંતોષકારક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકે તેવી સિસ્ટમના નિર્માણમાં યોગદાન આપવાના ધ્યેય સાથે ડો. અમિયા મહેતાએ આ ક્ષેત્રે કામગીરી કરવાની શરૂઆત કરી.
તત્કાલીન આરોગ્ય કમિશ્નરના સાથ સહકાર અને મંજૂરી દ્વારા તેઓ 2007 માં હોસ્પિટલોની ગુણવત્તા સુધારા સાથે સંકળાયેલા હોસ્પિટલ એક્રેડિટેશનના કોર્સમાં દાખલ થયા અને NABH માટે કામ કરતાં હોસ્પિટલના મૂલ્યાંકનકારોના પૂલમાં જોડાયા. આ સાથે આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તા સુધારણાના ક્ષેત્રે તેમની કારકિર્દીની શરૂઆત થઈ. સમય જતાં સાથી મિત્રો પાસેથી અને દર્દીઓને આપવામાં આવતી સેવાઓ અંગેના અનુભવો દ્વારા ડો. અમિયાને આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને તેના માપદંડો અંગે માર્ગદર્શન મળતું રહ્યું. ત્યારથી તેઓ પોતાના કાર્યકાળ દરમિયાન આરોગ્ય સેવાઓમાં ક્વોલિટી મેનેજમેન્ટના ક્ષેત્રે પોતાની સેવાઓ આપતા રહ્યા છે.
પોતાની સેવાઓમાં તેમણે હંમેશા દર્દી અને તેના પરિવારના અધિકારો, તેમને આપવામાં આવતી આરોગ્ય સુવિધાઓની સેફટી અને ગુણવત્તા, આરોગ્ય ઉપકરણો અને દવાઓની ગુણવત્તા સહિત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રોટોકોલ અને દર્દીના વિશેષ અધિકારો સંદર્ભે ગુણવત્તા સુધારણા માટે દિશા સૂચક કાર્યો કર્યા છે. હાલમાં તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે ગુણવત્તા સુધારણા ટીમના કમિટી સભ્ય તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. ભારતમાં ગુણવત્તાયુક્ત પ્રસૂતિ સેવાઓ બદલ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા લક્ષ્ય સર્ટિફિકેશનની કામગીરીમાં પણ તેઓ પોતાની સેવાઓ આપે છે.
આ બહુમાન પ્રાપ્ત બદલ ડૉ. અમિય મહેતા જણાવે છે કે, આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તાનું મહત્વ અનેક ગણું છે. આજે દેશભરમાં લોકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે અંગે અનેકવિધ ઉપક્રમો થકી ચોક્કસ દિશામાં કાર્યો થઈ રહ્યા છે. ઘણાં તબીબો અને આરોગ્ય કર્મીઓ આ ક્ષેત્રે ઉચ્ચ નિષ્ઠા સાથે ફરજો બજાવી રહ્યાં છે. જેના લીધે આજે દેશમાં ઉચ્ચ ગુણવત્તા યુક્ત આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ બની રહી છે અને દેશમાં મેડિકલ ટુરિઝમ પણ વિકસી રહ્યું છે. આજે દેશ-વિદેશમાંથી દર્દીઓ ભારતની ગુણવત્તાયુક્ત અને એફોર્ડેબલ આરોગ્ય સેવાઓનો લાભ મેળવવા માટે દેશમાં આવી રહ્યાં છે. પાછલાં 13 વર્ષોથી NABH સાથે મળીને પ્રસૂતિ સેવાઓ અને અન્ય આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં સુધારા માટે કરેલી કામગીરી બદલ મળેલું QIMPRO સર્ટિફાઇડ ક્વોલિટીસ્ટ સન્માન આ ક્ષેત્રે હજુ વધુ કામગીરી કરીને આરોગ્ય સેવાઓને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા માટે મોટીવેશન પૂરું પાડશે.