AMCનો નિર્ણય, અમદાવાદની 4 હોસ્પિટલ કોવિડ હોસ્પિટલના દરજ્જામાંથી હટાવાઈ
Live TV
-
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા પાલડી વિસ્તારની બોડી લાઈન હોસ્પિટલ આશ્રમ રોડની સેવિયર એનેક્ષ હોસ્પિટલ અને સેટેલાઈટ તેમજ બાપુનગરની તપન હોસ્પિટલ, એમ ચાર હોસ્પિટલોને તાત્કાલિક અસરથી ડેઝીગનેટેડ કોવિડ હોસ્પિટલના દરજ્જામાંથી હટાવી દેવાઈ છે.
એપિડેમિક એક્ટ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. એક સત્તાવાર યાદી મુજબ મહાનગર પાલિકાના ચાર નિષ્ણાંત ડોક્ટરોની કમિટીના અહેવાલને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ કમિટીના રિપોર્ટમાં જણાવાયું હતું કે, આ ચારેય હોસ્પિટલોની સ્થળ તપાસમાં વધુ મૃત્યુઆંક ઓછા બેડ, ઓછી ઓક્યુપેન્સી, ખાનગી બેડની સરખામણીમાં એ.એમ.બી.બેડ ઉપર ખૂબ ઓછા દર્દીઓને સારવાર સંતોષકારક ડેટા મેનેજમેન્ટનો અભાવ વગેરે બાબતો ધ્યાને આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહાનગર પાલિકાના આ નિર્ણયથી હવે આ ચારેય હોસ્પિટલો, એ.એમ.સી. ક્વોટા કે ખાનગી ક્વોટા ઉપર કોરોનાના કોઈપણ દર્દીને દાખલ કરી શકશે નહીં. યાદીમાં જણાવાયા મુજબ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં કોરોનાના દર્દીઓને સારી અને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે તમામ હોસ્પિટલોનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે.