અમેરિકી પ્રમુખ બાઇડેને ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચાડવાની જાહેરાત કરી
Live TV
-
અમેરિકન એરફોર્સની ગાઝામાં 50,000 ફૂડ પેકેટ્સ પહોંચાડવાની યોજના
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને ગાઝામાં માનવતાવાદી રાહત સામગ્રી મોકલવાની જાહેરાત કરી છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાઇડેનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક દિવસ પહેલા ઈઝરાયેલ સૈનિકો સાથે ભીષણ અથડામણ દરમિયાન ઘણા પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા હતા. ઉલ્લેખનીય છે કે ગુરુવારે ગાઝામાં માનવતાવાદી સહાયતાના કાફલામાંથી ખોરાક લેવાનો પ્રયાસ કરી રહેલા પેલેસ્ટિનિયનોની ભીડ પર ઇઝરાયલી સૈનિકોએ ગોળીબાર કર્યો ત્યારે 100થી વધુ લોકો માર્યા ગયા અને 700 થી વધુ ઘાયલ થયા.
અમેરિકા જોર્ડન સાથે મળીને આ સહાય પહોંચાડશે
જો બાઇડેન ઈટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથેની મુલાકાત પહેલાં આ ઘોષણ કરી હતી. તેમણે કહ્યું કે, ગાઝામાં નિર્દોષ લોકો તેમના પરિવારનું ભરણપોષણ કરી શકતા નથી. આ લોકો ભયંકર યુદ્ધમાં ફસાયેલા છે. તેમને ખોરાક અને અન્ય રાહત સામગ્રીની જરૂર છે. આ ઉપરાંત અમેરિકન રાષ્ટ્રપતિ એ જણાવ્યું કે, યુનાઇટેડ સ્ટેટ્સ જોર્ડન સાથે કામ કરશે. ગાઝાને હવાઈ સહાય પૂરી પાડવામાં જોર્ડન સૌથી આગળ રહ્યું છે. દરિયાઈ માર્ગે પણ ગાઝામાં સહાય પહોંચાડી શકાય છે. ગાઝામાં જે મદદ મોકલવામાં આવી રહી છે તે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પૂરતી નથી. ત્યાં દરેક વ્યક્તિનો જીવ જોખમમાં છે.
એરફોર્સ દ્વારા 50,000 ફૂડ પેકેટ્સ પહોંચાડવાની યોજના
એક રિપોર્ટ અનુસાર, બાઇડન અને મેલોનીએ ગાઝામાં યુદ્ધને રોકવાના પ્રયાસો સાથે યુક્રેનને સમર્થન આપવાની ચર્ચા કરી. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના વરિષ્ઠ અધિકારી જોન એફ. કિર્બીએ કહ્યું કે અમેરિકા પ્લેન દ્વારા ફૂડ પેકેટ મોકલનારો પ્રથમ દેશ હશે. આ પછી પાણી અને દવાની સહાય પૂરી પાડવામાં આવશે. એરફોર્સ 50,000 ફૂડ પેકેટ્સ પહોંચાડવાની યોજના બનાવી રહી છે. કિર્બીએ જણાવ્યું હતું કે ગાઝામાં માનવતાવાદી સહાય વહન કરતા ટ્રકોના કાફલાની આસપાસ ગુરુવારે થયેલા ગોળીબારે વિશ્વને આંચકો આપ્યો હતો.