પાકિસ્તાન નેશનલ એસેમ્બલી સચિવાલયે પ્રધાનમંત્રી પદની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી
Live TV
-
પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી સચિવાલયે રવિવારે પ્રધાનમંત્રી પદની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે. નેશનલ એસેમ્બલીના નવા ચૂંટાયેલા સભ્યો નવા પ્રધાનમંત્રીની પસંદગી કરશે. 02 માર્ચ સુધી ઉમેદવારો ઉમેદવારીપત્રો ભરી શકશે. પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ઈમરાન ખાનને સમર્થન આપતા મોટા ભાગના અપક્ષ ઉમેદવારો જીત્યા હતા. જો કે, કોઈપણ પક્ષને સરકાર બનાવવા માટે જરૂરી બેઠકો મળી શકી નથી.
મળતી માહિતી મુજબ ઉમેદવારો શનિવારે બપોરે 2 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ જમા કરાવી શકશે. તે જ દિવસે ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ કરવામાં આવશે. પ્રધાનમંત્રીની પસંદગીની પ્રક્રિયા નવા ચૂંટાયેલા સાંસદો દ્વારા કરવામાં આવશે.
પાકિસ્તાનને રવિવારે એટલે કે 3 માર્ચે નવા પ્રધાનમંત્રી મળશે. ગઈકાલે, પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સચિવાલયે દેશના નવા પ્રધાનમંત્રીની ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરી હતી. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના નેતા શહેબાઝ શરીફ પ્રધાનમંત્રી પદની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે.
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ જૂથ, પીપીપી અને ગઠબંધન ભાગીદારોએ શેહબાઝ શરીફને નોમિનેટ કર્યા છે, જ્યારે સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલે ઓમર અયુબને ટેકો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના ઉમેદવારોએ અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી અને પરિણામ આવ્યા બાદ તેઓ સુન્ની ઈત્તેહાદ કાઉન્સિલ સાથે સમજૂતી પર પહોંચી ગયા હતા.