ઇઝરાયેલી સુરક્ષા દળોએ ગાઝામાં ભીડ પર ગોળીબાર કર્યો, 100થી વધુનાં મૃત્યુ
Live TV
-
ઇઝરાયેલી સુરક્ષા દળોએ ગઇકાલે ગાઝા શહેરમાં સહાય વહન કરતી ટ્રકો પાસે અચાનક એકઠા થયેલા ટોળા પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં ઓછામાં ઓછા 104 લોકો માર્યા ગયા અને લગભગ 700 લોકો ઘાયલ થયા. અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે પેલેસ્ટિનિયન ઑથોરિટી ન્યૂઝ એજન્સી અને ઈઝરાયેલના એક અધિકારીને ટાંકીને આ જાણકારી આપી છે.
રિપોર્ટ અનુસાર, આ બધું અચાનક થયું. ગાઝાના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે "નરસંહાર" માં 100થી વધુ લોકો માર્યા ગયા હતા અને 700થી વધુ ઘાયલ થયા હતા. ઇઝરાયેલની ટેન્કોએ હજારો મશીનગનથી ફાયરિંગ કર્યું. આ ભીડ સહાયની આશા રાખીને ઊભી હતી. ઇઝરાયેલના એક અધિકારીએ સ્વીકાર્યું કે સૈનિકોએ ગોળીબાર કર્યો હતો અને નાસભાગમાં મોટાભાગના લોકો માર્યા ગયા અને અનેક લોકો ઘાયલ થયા હતા.
મળતી માહિતી અનુસાર, રાશન પહોંચાડતી ટ્રકની આસપાસ ગાઝાના ભૂખ્યા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને ત્યાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન ઇઝરાયલી દળોએ ગોળીબાર કર્યો હતો. જેના કારણે ભાગમદોડ મચી ગઈ હતી. ગોળીબારમાં ઘણા માર્યા ગયા હતા અને ઘણા લોકો ટ્રક દ્વારા કચડીને મૃત્યુ પામ્યા હતા.
ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે ગાઝાના લોકો સહાય ટ્રકો અને પુરવઠો લૂંટી રહ્યા હતા. આ ઘટનાક્રમ પર, હમાસ કમાન્ડરે ચેતવણી આપી હતી કે આ યુદ્ધવિરામ મંત્રણાને પાટા પરથી ઉતારી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગાઝામાં ઈઝરાયેલ અને પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. ગાઝામાં મૃત્યુઆંક 30,000 પર પહોંચી ગયો છે.