અવકાશમાં ન્યુક્લિયર પાવર યુનિટ સ્થાપિત કરવું એ રશિયાની પ્રાથમિકતા : પુતિન
Live TV
-
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને તાજેતરમાં સરકારી અધિકારીઓ સાથેની ચર્ચા દરમિયાન અવકાશમાં પરમાણુ પાવર યુનિટના વિકાસ સહિત અવકાશ પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા પર પ્રકાશ પાડ્યો હતો. સરકારી સભ્યો સાથેની બેઠકમાં, પુતિને રશિયાની ક્ષમતાઓ અને અનામત વિશે વાત કરી, તેમણે આ ક્ષમતાઓના ઉદાહરણ તરીકે અવકાશ કામગીરી માટે બનાવાયેલ ન્યુક્લિયર પાવર યુનિટનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.
પુતિને કહ્યું, આપણે આપડી ક્ષમતાઓના વિકાસને પ્રોત્સાહન આપવા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ, જે અન્ય દેશો પાસે નથી તે આપણી પાસે છે. ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ થવો જોઈએ. રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસના વડા યુરી બોરીસોવે તાજેતરમાં ચંદ્ર પર પરમાણું રિએક્ટર તૈનાત કરવાના પ્રોજેક્ટ પર ચીન સાથે સહયોગની જાહેરાત કરી હતી. બોરીસોવે 2033 અને 2035 ની વચ્ચે ચાઇનીઝ ભાગીદારો સાથે સંયુક્ત રીતે ચંદ્ર પર પાવર રિએક્ટરનું પરિવહન અને સ્થાપન કરવાની યોજનાનો ઉલ્લેખ કર્યો.
માર્ચ 2021માં, રશિયાના સ્ટેટ સ્પેસ કોર્પોરેશન રોસકોસમોસ અને ચાઈના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશને આંતરરાષ્ટ્રીય ચંદ્ર સંશોધન સ્ટેશનની સ્થાપનામાં સહકાર માટે એક મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા. તેનું જાણવા મળ્યુ છે કે રશિયા એક પરમાણુ સ્પેસ વેપન વિકસાવી રહ્યું છે જે વ્યાપારી અને સરકારી ઉપગ્રહોને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે. લશ્કરી અવકાશ નિષ્ણાતોમાં ન્યુક્લિયર ઈલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ હથિયાર તરીકે ઓળખાતું આ શસ્ત્ર ઇલેક્ટ્રોમેગ્નેટિક ઊર્જા અને અત્યંત ચાર્જ થયેલા કણોનું ઉત્સર્જન કરીને પૃથ્વીની ભ્રમણકક્ષામાં ઉપગ્રહોને વિક્ષેપિત કરી શકે છે.
આ શસ્ત્રનો હજુ ઉપયોગ કરવામાં આવ્યો નથી, ત્યારે બિડેન વહીવટીતંત્રના અધિકારીઓએ ચેતવણી આપી છે કે તેનો ઉપયોગ પરમાણુ શસ્ત્રોના ઇતિહાસમાં ખતરનાક પરિવર્તનને ચિહ્નિત કરશે. રોજિંદા જીવન પર આ શસ્ત્રની સંભવિત અસર અનિશ્ચિત છે પરંતુ તે નોંધપાત્ર વિક્ષેપોમાં પરિણમી શકે છે.