આજે વિશ્વ વન દિવસના રોજ મળ્યા દુ:ખદ સમાચાર, ધરતી પરનો અંતિમ નર સફેદ ગેંડો પામ્યો મૃત્યુ
Live TV
-
આજે વિશ્વ વન દિવસ છે અને આપણે વન સંરક્ષણની વાતો કરીએ છીએ ત્યારે કેન્યાથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ધરતી પર વિહરનાર અંતિમ નર ઉત્તરી સફેદ ગેંડો મૃત્યુ પામ્યો છે. સુડાન નામનો આ ગેંડો તેની પ્રજાતિનો અંતિમ નર હતો અને હવે માત્ર તે પ્રજાતિની બે માદા બચી છે. ૧૯૭૦ અને 1980ના દાયકામાં આફ્રિકામાં થયેલા બેફામ શિકાર ના પગલે આ પ્રજાતિના ગેંડાઓની સંખ્યા સતત ઘટી રહી હતી. નોંધનીય છે કે ગેંડાના શીંગડામાં વિશેષ ગુણધર્મો હોવાની માન્યતાના કારણે ચાયનીઝ દવાઓમાં તેનો વપરાશ થાય છે અને તેની સતત વધતી માંગ અને કાળા બજારમાં ઉંચી કીમતોને કારણે તેનો શિકાર અવારનવાર થતો રહે છે. ઉલ્લેખનીય છે કે શિકારીઓથી બચાવવા માટે ૨૦૧૫માં તેને વિશેષ સુરક્ષા પ્રદાન કરવામાં આવી હતી. તેમજ સોશ્યલ મીડિયા એપ ટીન્ડર પર પણ તેના બચાવ માટે એક અનોખું અભિયાન ચલવવામાં આવ્યું હતું. પરંતુ વધતી ઉંમર, બીમારીઓ તેમજ ઘા ના કારણે સોમવારે આ ગેંડાનું મૃત્યુ થયું હતું. નોંધનીય છે કે વિશ્વભરમાં ગેંડાની પાંચ પ્રજાતિઓ બચી છે અને તેમાંથી ભારતના આસામમાં પણ એકશૃંગી ગેંડા જોવા મળે છે અને તેના સંરક્ષણ માટેના પ્રયાસો મોટા પાયે થઇ રહ્યા છે. સમગ્ર વિશ્વમાં જયારે વન દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે પર્યાવરણના જતન માટે વિશ્વભરના લોકોએ સામૂહિક પ્રયાસ કરવાની જરૂરત છે.