ફેસબુક યુઝર્સના ડેટાલીક મામલે ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગે મૌન તોડતા પોતાની ભૂલ સ્વીકારી
Live TV
-
યુઝર્સના ડેટાની સુરક્ષાની જવાબદારી કંપનીની છે - માર્ક ઝુકરબર્ગ
ફેસબુક યુઝર્સના ડેટાલીક મામલે ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગે મૌન તોડતા પોતાની ભૂલ સ્વીકારી છે. કંપનીની ભૂલનો સીધો સ્વીકાર કરતા માર્ક ઝુકરબર્ગે જણાવ્યું કે યુઝર્સના ડેટાની સુરક્ષાની જવાબદારી કંપનીની છે અને જો આમ ન થઈ શકે તો લોકો માટે કામ કરવાનો તેમને કોઈ અધિકાર નથી. દરમિયાન ગઈકાલે ભાજપે કોંગ્રેસ પર સોશિયલ મીડિયાના માધ્યમથી ચૂંટણીઓને પ્રભાવિત કરવાના ગંભીર આરોપ લગાવ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, કોંગ્રેસે 2019ની ચૂંટણીઓના પ્રચાર માટે બ્રિટીશ એજન્સી કેમ્બ્રિજ એનાલિટીકાને જવાબદારી સોંપી છે. જે કંપની પર અનેક દેશોમાં ચૂંટણીઓને પ્રભાવિત કરવાના ગંભીર આરોપ છે. રવિશંકરે કોંગ્રેસને સવાલ કર્યો છે કે શું કોંગ્રેસ ડેટાની હેરાફેરી અને ચોરી મારફતે ચૂંટણી જીતવા માગે છે. રવિશંકરપ્રસાદે વધુમાં જણાવ્યું કે ભાજપ સરકાર વાણી સ્વાતંત્ર્ય અને સોશિયલ મીડિયા પર વિચારોની અભિવ્યક્તિનું સમર્થન કરે છે, પરંતુ ચૂંટણીઓમાં તેના દૂરુપયોગના પ્રયાસોને સફળ નહીં થવા દેવાય. ફેસબુકને સીધી ચેતવણી આપતા કેન્દ્રીય પ્રધાને જણાવ્યું કે જો ફેસબુક પરથી કોઈપણ ભારતીયનો ડેટા લીક થયો તો સરકાર કડક કાર્યવાહી કરતા અચકાશે નહીં.