આફ્રિકી દેશ મલાવીમાં દુષ્કાળ: ભારતે 1,000 મેટ્રિક ટન ચોખાની સહાય મોકલી
Live TV
-
ભારતે અલ નીનોના કારણે ગંભીર દુષ્કાળનો સામનો કરી રહેલા આફ્રિકી દેશ મલાવીને 1,000 મેટ્રિક ટન ચોખાની માનવીય સહાય ન્હાવા શેવા પોર્ટથી મોકલી આપી છે. આ પગલા દ્વારા ભારતે ગ્લોબલ સાઉથના ભાગીદારોને સમર્થન આપવા અને આપત્તિના સમયે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની 2024ની મલાવી મુલાકાત બાદ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય અને રાજદ્વારી સંબંધો વધુ મજબૂત બન્યા છે.
આફ્રિકી દેશ મલાવીમાં 'અલ નીનો'ના કારણે સર્જાયેલા ગંભીર દુષ્કાળની સ્થિતિમાં ભારતે 1,000 મેટ્રિક ટન ચોખાની માનવીય સહાય મોકલી છે. આ પગલા દ્વારા ભારતે 'ગ્લોબલ સાઉથ'ના ભાગીદારોને સમર્થન આપવા અને 'સાઉથ-સાઉથ કો-ઓપરેશન'ની ભાવનાને આગળ વધારવા માટે પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી છે.
ભારતીય વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ જાણકારી આપતા લખ્યું છે કે, “ખાદ્ય સુરક્ષા માટે ભારત-મલાવી ભાગીદારી. અલ નીનોની અસરથી સર્જાયેલા દુષ્કાળ બાદ ખાદ્ય સુરક્ષા માટે માલાવીના પ્રયાસોને ટેકો આપવા માટે, ભારતે ન્હાવા શેવા પોર્ટથી માલાવીના લોકો માટે 1,000 મેટ્રિક ટન ચોખાની માનવીય સહાય મોકલી છે. આ પગલું ગ્લોબલ સાઉથના ભાગીદારોને મદદ કરવા માટે ભારતની સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે.”
મલાવીમાં ખાદ્ય સંકટની સ્થિતિ
માલાવીમાં 40 લાખથી વધુ લોકો ખોરાકની ભારે અછતનો સામનો કરી રહ્યા છે, જેના કારણે કુપોષણ વધી રહ્યું છે. અલ નીનોને કારણે અનિયમિત વરસાદ થયો છે અને ચિલવા તળાવ જેવા પાણીના મોટા સ્ત્રોત સુકાઈ ગયા છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા માલાવી સરકારે ડિઝાસ્ટર જાહેર કરી છે.
ભારત-મલાવી દ્વિપક્ષીય સંબંધો
ગયા વર્ષે ઓક્ટોબરમાં ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જ્યોર્જ ચાપોંડાને મલાવીના વિદેશ મંત્રી તરીકેની નિમણૂક પર અભિનંદન પાઠવ્યા હતા અને દ્વિપક્ષીય સહયોગ વધારવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. જ્યોર્જ ચાપોંડા મલાવીના નવા રાષ્ટ્રપતિ પીટર મુથારિકાની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના વરિષ્ઠ સભ્ય છે.
ભારત અને મલાવી વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધો છે. 2024માં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ માલાવીની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે તત્કાલીન સમકક્ષ લાઝરસ મેકકાર્થી ચકવેરા સાથે મુલાકાત કરી હતી અને કલા-સંસ્કૃતિ, યુવા બાબતો, રમતગમત અને ફાર્માસ્યુટિકલ સહયોગ પર સમજૂતી કરાર કર્યા હતા. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ લિલોંગ્વેમાં નેશનલ વોર મેમોરિયલની મુલાકાત લઈ શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
