દુબઈ પર 16 મિસાઈલ,121 ડ્રોનથી હુમલો: ડિફેન્સ સિસ્ટમે મિસાઈલો તોડી પાડ્યાનો દાવો
Live TV
-
મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. ઈરાન દ્વારા સંયુક્ત આરબ અમીરાત (UAE) પર કરવામાં આવેલા મોટા પાયે હવાઈ હુમલાને કારણે સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાયો છે. યુએઈની એર ડિફેન્સ સિસ્ટમે દુબઈ તરફ આવતી અનેક મિસાઈલો અને ડ્રોનને તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે.
દુબઈ મરીનામાં મિસાઈલનો કાટમાળ પડતા અફરાતફરી
યુએઈના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈરાન તરફથી 16 બેલેસ્ટિક મિસાઈલો અને 121 આત્મઘાતી ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. યુએઈની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમે સક્રિયતા બતાવીને 15 મિસાઈલોને હવામાં જ ઈન્ટરસેપ્ટ કરી લીધી હતી, જ્યારે બાકીની મિસાઈલ સમુદ્રમાં પડી હતી. ઉપરાંત, 119 ડ્રોનને પણ લક્ષ્ય સુધી પહોંચે તે પહેલા જ નષ્ટ કરી દેવાયા હતા. જોકે, આ ઈન્ટરસેપ્શન દરમિયાન મિસાઈલનો કાટમાળ દુબઈ મરીના વિસ્તારમાં આવેલા એક ટાવર પર પડ્યો હતો. જેના કારણે બિલ્ડિંગના બહારના ભાગમાં આગ લાગી હતી અને ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને સ્થિતિને તાત્કાલિક નિયંત્રણમાં લેવામાં આવી હતી.યુએઈના રાષ્ટ્રપતિનું સંબોધન: "આપણે યુદ્ધના દોરમાં છીએ"
હુમલા બાદ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. સંઘર્ષ વધ્યા બાદ આ તેમનું પ્રથમ જાહેર નિવેદન હતું. તેમણે ગંભીરતાપૂર્વક જણાવ્યું હતું કે, "દેશ અત્યારે યુદ્ધના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ આપણે આ સંકટમાંથી વધુ મજબૂત બનીને બહાર આવીશું."ઈરાનના રાષ્ટ્રપતિની આશ્ચર્યજનક માફી
આ તણાવ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનનું મોટું નિવેદન સામે આવ્યું છે. ઈરાની સરકારી ટીવી પર બોલતા તેમણે પડોશી દેશો પર થયેલા હુમલા માટે માફી માંગી હતી. પેજેશકિયાને સ્પષ્ટ કર્યું કે, "ઈરાન હવે પડોશી દેશો પર હુમલા નહીં કરે, જ્યાં સુધી તે દેશોની ધરતી પરથી ઈરાન પર હુમલો કરવામાં ન આવે."ટ્રમ્પને જડબાતોડ જવાબ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને 'બિનશરતી શરણાગતિ' સ્વીકારવા માટે કરવામાં આવેલી માંગ પર પેજેશકિયાને આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, "ઈરાનના દુશ્મનોએ ઈરાની જનતાની શરણાગતિ જોવાની ઈચ્છા પોતાની સાથે કબરમાં લઈ જવી પડશે."
