ઇઝરાયેલની કેબિનેટે હમાસ સાથે ચાર દિવસીય યુદ્ધવિરામ કરારને મંજૂરી આપી
Live TV
-
ઇઝરાયેલની કેબિનેટે હમાસ સાથે ચાર દિવસીય યુદ્ધવિરામ કરારને મંજૂરી આપી છે જે યુદ્ધગ્રસ્ત ગાઝામાં અસ્થાયી રૂપે હુમલાઓ બંધ કરશે. આ કરાર હેઠળ, હમાસ ગાઝા પટ્ટીમાં રાખવામાં આવેલા અંદાજે બસો ચાલીસ બંધકોમાંથી પચાસને મુક્ત કરશે. ઇઝરાયેલે કહ્યું છે કે, તે મુક્ત કરાયેલા દરેક દસ વધારાના બંધકો માટે યુદ્ધવિરામને એક દિવસ વધારવા માટે તૈયાર છે. કરાર હેઠળ આવતીકાલે કેટલાક બંધકોને મુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે. ઇઝરાયેલ ગાઝામાં વધારાનું ઇંધણ અને માનવતાવાદી સહાય મોકલવા પણ સંમત થયું છે. અગાઉ, તેણે ગાઝાને બળતણ અને સહાય સામગ્રીના સપ્લાય પર પ્રતિબંધ મૂક્યો હતો.
કેબિનેટ મતદાન પહેલાં, પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે, યુદ્ધવિરામનો સમયગાળો સમાપ્ત થયા પછી હમાસ વિરુદ્ધ હુમલા ફરી શરૂ કરવામાં આવશે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે દાવો કર્યો છે કે ગાઝામાં ઇઝરાયેલની જમીની કાર્યવાહીને કારણે હમાસને વાટાઘાટો કરવાની ફરજ પડી છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની લડાઈ 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઈઝરાયેલ પરના અચાનક હુમલાથી શરૂ થઈ હતી, જેમાં ઈઝરાયેલ-ગાઝા સરહદે બંને બાજુના હજારો લોકો માર્યા ગયા હતા.
