ગોલ્ડન ગ્લોબ એવોર્ડ વિજેતા હોલીવુડ અભિનેત્રી રાક્વેલ વેલ્ચનું 82 વર્ષની વયે નિધન
Live TV
-
હોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેત્રી રાક્વેલ વેલ્ચનું નિધન થઈ ગયુ છે. રાક્વેલ વેલ્ચે 82 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. મશહૂર અદાકારા રાક્વેલ ઘણા સમયથી બીમાર હતા. રાક્વેલ વેલ્ચના નિધનની પુષ્ટિ અભિનેત્રીના મેનેજર દ્વારા કરવામાં આવી છે. રાક્વેલના મેનેજરે અભિનેત્રીના નિધનની જાણકારી આપતા કહ્યુ અભિનેત્રીએ બીમારી બાદ સવારે દુનિયાને અલવિદા કહી દીધુ. આ સાથે જ મેનેજરે આગળ કહ્યુ, રાક્વેલનું કરિયર 50 વર્ષનું હતુ. પોતાના કરિયરમાં અભિનેત્રીએ 30 ફિલ્મો અને 50 ટીવી શો માં કામ કર્યુ હતુ. સાથે જ રાક્વેલે ઘણા બધા પ્રોજેક્ટ્સમાં કેમિયો પણ કર્યો છે. મશહૂર રાક્વેલ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ જીતી ચૂક્યા છે.
રાક્વેલના પરિવારમાં તેમને બે સંતાન છે, જેમાં એક પુત્ર ડેમન વેલ્ચ અને એક પુત્રી ટહની વેલ્ચ છે. રાક્વેલે પોતાના કરિયરની શરૂઆત 1960માં કરી હતી પરંતુ તેમણે 1966માં આવેલી 'ફેન્ટાસ્ટિક વોયાઝ' અને 'વન મિલિયન યર્સ બી.સી' ફિલ્મોમાં ઓળખ મળી હતી. આ ફિલ્મોમાં રાક્વેલે પોતાની આગવી અભિનય શૈલીનું પ્રદર્શન કર્યુ હતુ, જે જોઈ લોકો દિવાના થઈ ગયા હતા. આ ફિલ્મો બાદ રાક્વેલે ક્યારેય પાછળ વળીને જોયુ નથી. વર્ષ 1973માં આવેલી ફિલ્મ 'ધ થ્રી માસ્કીટિયર્સ' માટે રાક્વેલને હોલીવુડના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ગોલ્ડન ગ્લોબ એવોર્ડથી નવાઝવામાં આવ્યા હતા.