જમૈકા પ્રવાસે કિંગ્સ્ટન પહોંચ્યા વિદેશ મંત્રી ડૉ. જયશંકર
Live TV
-
વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર પોતાની પ્રથમ સત્તાવાર મુલાકાતે જમૈકાની રાજધાની કિંગ્સ્ટન પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે જમૈકાના વિદેશ મંત્રી કામિના જોનસન સ્મિથ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
ડૉ. જયશંકરે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે, તેઓ જમૈકાની તેમની પ્રથમ મુલાકાતમાં મળેલા સ્વાગતથી અભિભૂત છે. આગામી બે દિવસમાં તેઓ જમૈકાના શીર્ષ નેતૃત્વ, વ્યાપારી સમુદાય અને ભારતીય મૂળના લોકો સાથે સંવાદ કરશે. કિંગ્સ્ટન ખાતે તેમના આગમન પર ભારતીય મૂળના લોકો અને બાળકોએ ખાસ રીતે તેમનું સ્વાગત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રીનો આ બે દિવસનો પ્રવાસ છે, જે દરમિયાન વિદેશ મંત્રી જમૈકાના વરિષ્ઠ નેતાઓ, વ્યાપારી પ્રતિનિધિઓ અને ભારતીય સમુદાય સાથે મુલાકાત કરશે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મુલાકાત વ્યાપક કેરેબિયન પ્રવાસનો એક ભાગ છે. ડૉ. જયશંકર જમૈકા ઉપરાંત સુરીનામ તેમજ ત્રિનિદાદ અને ટોબેગોની પણ સત્તાવાર મુલાકાતે છે. આ પ્રવાસ 10 મે સુધી ચાલશે. આ દરમિયાન વિદેશ મંત્રી ત્રણેય દેશોના વિદેશ મંત્રીઓ સાથે મુલાકાત કરશે. આ બેઠકોમાં દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓની સાથે સાથે પરસ્પર હિતોના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.
