ટ્રમ્પનો દાવો: 'ઈરાન સાથેનું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત કરીશું', પરંતુ આ શરત મૂકી
Live TV
-
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધને સમાપ્ત કરવા અંગે ફરી એકવાર મોટો દાવો કર્યો છે. જો કે તેમણે આ યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા જણાવી નથી. 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટમાં તેમણે કહ્યું કે, તેઓ ઈરાન સામેનું યુદ્ધ જલ્દી ખતમ કરવા પર વિચાર કરી રહ્યા છે.
બીજી તરફ, એવા પણ અહેવાલો છે કે અમેરિકા જમીની સેના ઉતારવાની શક્યતાઓ પર વિચાર કરી રહ્યું છે.
યુદ્ધ સમાપ્ત કરવા અંગે ટ્રમ્પનું નિવેદન
ટ્રમ્પે તેમની પોસ્ટમાં લખ્યું છે કે, "અમે ઈરાનના આતંકી શાસનના સંદર્ભમાં મધ્ય પૂર્વમાં અમારા મોટા સૈન્ય અભિયાનોને ધીમે-ધીમે સમાપ્ત કરવા પર વિચાર કરી રહ્યા છીએ કારણ કે અમે અમારા લક્ષ્યો હાંસલ કરવાની ખૂબ નજીક છીએ."
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અંગેની શરત
ઈરાન યુદ્ધના અંત સંદર્ભે તેમણે વધુ એક મહત્ત્વની વાત કહી. જે યુદ્ધના પ્રથમ દિવસથી ચર્ચામાં રહેલા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લગતી હતી. ટ્રમ્પે જણાવ્યું કે, "આની (હોર્મુઝ સ્ટ્રેટ) દેખરેખ અને સુરક્ષાની જવાબદારી તે દેશોએ ઉઠાવવી જોઈએ જે તેનો ઉપયોગ કરે છે."
નોંધનીય છે કે દુનિયાનું અંદાજે 20 ટકા તેલ સામાન્ય રીતે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે.
ટ્રમ્પે ઉમેર્યું કે, "જો અમને કહેવામાં આવશે, તો અમે આ દેશોને હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષાના પ્રયાસોમાં મદદ કરીશું, પરંતુ ઈરાનનો ખતરો સમાપ્ત થયા પછી તેની જરૂર રહેવી જોઈએ નહીં. મહત્ત્વની વાત એ છે કે આ દેશો માટે આ એક સરળ સૈન્ય અભિયાન હશે."
અત્યાર સુધીની સિદ્ધિઓનો દાવો
ટ્રમ્પે ઈરાન સામેના યુદ્ધમાં મળેલી સફળતાઓનો ઉલ્લેખ કરતા દાવો કર્યો કે:
- ઈરાનની મિસાઈલ ક્ષમતાને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવી છે.
- ઈરાનનું મિલિટરી ઈન્ડસ્ટ્રીયલ બેઝ તબાહ કરી દેવાયું છે.
- એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર બનાવવાની નજીક ન પહોંચી શકે.આ ઉપરાંત ટ્રમ્પે કહ્યું કે મધ્ય પૂર્વમાં અમેરિકાએ તેના સાથી દેશો— ઈઝરાયેલ, સાઉદી અરેબિયા, કતાર, સંયુક્ત આરબ અમીરાત (UAE), બહેરીન, કુવૈત અને અન્ય દેશોને ઉચ્ચતમ સ્તરની સુરક્ષા પૂરી પાડી છે.
