તુર્કી-સીરિયામાં ભૂકંપમાં મૃતકોની સંખ્યા વધીને 50 હજાર થઈ, 1.6 લાખથી વધુ ઇમારતો ધરાશાયી
Live TV
-
તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંકની સંખ્યા 50,000થી વધુ થઈ છે. માહિતી અનુસાર તુર્કીમાં 44,200 અને સીરિયામાં 5900થી વધુ લોકોના મોત થયા હતા. 6 ફેબ્રુઆરીએ દક્ષિણપૂર્વીય તુર્કી અને ઉત્તર સીરિયામાં આવેલા પ્રથમ ભૂકંપની તીવ્રતા 7.7 માપવામાં આવી હતી. આ તબાહીથી આ ઉપરાંત 1 લાખ 60 હજારથી વધુ ઇમારતો ધરાશાયી થઈ જયારે 15 લાખ લોકો બેઘર બન્યા છે. તુર્કી અને સીરિયાના ઘણા શહેરો ખંડેરમાં ફેરવાઈ ગયા છે. એક જ ઝાટકે હજારો જીવન નાશ પામ્યા. તુર્કીમાં ભૂકંપનો સિલસિલો ચાલુ છે. બે દિવસ પહેલા 5.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ વિનાશક ભૂકંપમાં કાટમાળમાં દટાયેલા લોકોને શોધવા અને બચાવની કામગીરી લગભગ પૂરી થઈ ગઈ છે. ભૂકંપથી પ્રભાવિત 11માંથી 9 પ્રાંતોમાં બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, તુર્કી સરકારની પ્રારંભિક યોજના અંતર્ગત બેઘર થયેલા લોકો માટે ઓછામાં ઓછા 15 બિલિયન ડોલરના ખર્ચે નવા ઘરો બનાવવામાં આવશે.