નેપાળના 47મા પ્રધાનમંત્રી બન્યા બાલેન શાહ, રાષ્ટ્રપતિ ભવનમાં લીધા શપથ
Live TV
-
નેપાળના રાજકારણમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી(RSP)ના નેતા બાલેન્દ્ર શાહ જેઓ 'બાલેન શાહ' તરીકે લોકપ્રિય છે, તેમને નેપાળના નવા પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. બાલેન શાહ નેપાળના 47મા પ્રધાનમંત્રી બન્યા છે.
શુક્રવારે(27 માર્ચ) બપોરે 12:34 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં બાલેન શાહે શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથવિધિ સંપૂર્ણપણે હિન્દુ રીત-રિવાજો સાથે સંપન્ન થઈ હતી. કાર્યક્રમની શરૂઆતમાં સાત શંખનાદકોએ શંખ ફૂંકીને માંગલિક વાતાવરણ સર્જ્યું હતું, જેને નેપાળી પરંપરામાં સફળતા અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે.
બાલેન શાહની આ જીત અનેક રીતે ખાસ છે:
રેકોર્ડ બ્રેક મતો: તેમણે પૂર્વી નેપાળની ઝાપા-5 બેઠક પર પૂર્વ પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલીને 49,614 મતોના વિશાળ અંતરથી હરાવ્યા છે.
ઐતિહાસિક આંકડો: બાલેન શાહને 68,348 મતો મળ્યા. જ્યારે ઓલીને માત્ર 18,734 મતો મળ્યા હતા. 1991 પછી નેપાળની સંસદીય ચૂંટણીમાં આ કોઈ પણ ઉમેદવાર દ્વારા મેળવવામાં આવેલી સૌથી મોટી જીત છે.
બહુમતી: તેમની પાર્ટી RSPએ તાજેતરની ચૂંટણીમાં લગભગ બે-તૃતીયાંશ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવ્યો છે.27 એપ્રિલ, 1990ના રોજ કાઠમંડુમાં જન્મેલા બાલેન શાહ શૈક્ષણિક રીતે અત્યંત સજ્જ છે. તેમણે ભારતની વિશ્વેશ્વરૈયા ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કર્યું છે. તેમના ટેકનિકલ બેકગ્રાઉન્ડને કારણે તેઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી વિકાસમાં વિશેષ પકડ ધરાવે છે. વર્ષ 2022માં તેમણે કાઠમંડુના મેયર તરીકે અપક્ષ ચૂંટણી જીતીને રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આમ, એક એન્જિનિયર અને કાઠમંડુના ભૂતપૂર્વ મેયર તરીકેની તેમની કાર્યશૈલી હવે આખા નેપાળના શાસનમાં જોવા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
