પાકિસ્તાનમાં ટ્રેન પર હુમલો, 100થી વધુ પ્રવાસીઓને બંધક બનાવ્યાનો બલુચ લિબરેશન આર્મીનો દાવો
Live TV
-
પાકિસ્તાનમાં આજે મંગળવારે અલગતાવાદી આતંકવાદીઓએ સેંકડો મુસાફરોને લઈ જતી પેસેન્જર ટ્રેન પર ગોળીબાર કરાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં જાફર એક્સપ્રેસના નવ કોચમાં લગભગ 400 મુસાફરો હતા. આ ટ્રેન દક્ષિણપશ્ચિમ બલુચિસ્તાન પ્રાંતના ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાના પેશાવર જઈ રહી હતી ત્યારે તેના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, પોલીસ અને રેલવે વિભાગના અધિકારીઓ જણાવ્યું હતું કે, આ ઘટનામાં ટ્રેન ચાલક ઘાયલ થયો હતો. જ્યારે એક નિવેદનમાં આતંકવાદી અલગતાવાદી જૂથ બલોચ લિબરેશન આર્મી (BLA)એ હુમલાની જવાબદારી સ્વીકારી અને કહ્યું કે, 'તેમણે સુરક્ષા દળો સહિત લોકોને ટ્રેનમાંથી બંધક બનાવ્યા છે.'
BLA એ દાવો કર્યો હતો કે, તેણે 100થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા અને તેના ઓપરેશનમાં છ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા. તેમનું કહેવું છે કે, બંધક બનાવવામાં આવેલા લોકોમાં સુરક્ષા અધિકારીઓ પણ સામેલ છે. પ્રાંતીય સરકાર અને રેલવે અધિકારીઓએ બંધકોને પકડવાની પુષ્ટિ કરી નથી. જ્યારે એક રેલવે અધિકારીએ જણાવ્યું કે, 'બલુચિસ્તાનના બોલન જિલ્લાના મુશકાફ વિસ્તારમાં સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.'
જ્યારે સરકારી પ્રવક્તા શાહિદ રિંદે જણાવ્યું હતું કે, 'બલુચિસ્તાન સરકારે કટોકટીના પગલાં લાગુ કર્યા છે અને પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ સંસ્થાઓને એકત્ર કરવામાં આવી છે.' તમને જણાવી દઈએ કે, અશાંત બલુચિસ્તાનમાં અલગતાવાદી આતંકવાદી જૂથો આ ક્ષેત્રમાં સેના અને ચીની પ્રોજેક્ટ્સ પર સતત હુમલા કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, BLA બલુચિસ્તાન માટે સ્વતંત્રતા ઇચ્છે છે. દાયકાઓથી પાકિસ્તાની સરકાર સામે લડતા અનેક જાતીય બળવાખોર જૂથોમાં તે સૌથી મોટું છે. સંગઠનનું કહેવું છે કે, સરકાર બલુચિસ્તાનના સમૃદ્ધ ગેસ અને ખનિજ સંસાધનોનું અયોગ્ય રીતે શોષણ કરી રહી છે. BLA ને પાકિસ્તાન, ઈરાન, ચીન, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા, સંયુક્ત રાષ્ટ્ર અને યુરોપિયન સંઘને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યા છે.