વડાપ્રધાન મોદીએ મોરેશિયસના રાષ્ટ્રપતિને આપી અનેક ભેટ, જાણો શું છે ખાસ
Live TV
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ મોરેશિયસની મુલાકાત છે, ત્યારે પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ધરમબીર ગોખૂલ અને તેમની પત્નીને ખાસ ભેટો આપી હતી. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ગોખૂલને કાંસા અને પિત્તળના વાસણોમાં મહાકુંભનું પવિત્ર ગંગાજળ ભેટમાં આપ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ મોરેશિયસના રાષ્ટ્રપતિ ગોખૂલની પત્નીને બનારસી સાડી પણ ભેટ તરીકે આપી હતી. આ ઉપરાંત, તેમણે બિહારનું પ્રખ્યાત સુપરફૂડ મખાના પણ આપ્યું હતું. તેની તસવીરો પણ સામે આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોરેશિયસના રાષ્ટ્રપતિની પત્નીને ભેટમાં આપવામાં આવેલી બનારસી સાડી વૈભવી અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે, જે તેના શ્રેષ્ઠ રેશમ, જટિલ બ્રોકેડ અને ભવ્ય ઝરી કામ માટે જાણીતી છે. આ અદભુત સાડી શાહી વાદળી રંગની છે, જે ચાંદીના ઝરી મોટિફ્સ અને અદભુત પલ્લુથી શણગારેલી છે. આ સાડી ખાસ કરીને લગ્ન, તહેવારો અને ભવ્ય સમારંભો માટે આદર્શરૂપ લાગે છે. આ સાડી સાથે ગુજરાતમાંથી એક સાડેલી બોક્સ પણ છે. જેમાં જટિલ જડતરકામ કરવામાં આવ્યું છે. જેને કિંમતી સાડીઓ, ઘરેણાં અથવા સ્મૃતિચિહ્નોનો સંગ્રહવા કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે.
પીએમ મોદીએ મોરેશિયસના સર શિવસાગર રામગુલામ બોટનિકલ ગાર્ડનમાં 'એક પેડ મા કે નામ' પહેલ હેઠળ એક છોડ પણ વાવ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ફોટો શેર કરતા વડાપ્રધાને લખ્યું હતું કે, 'પ્રકૃતિ, માતૃત્વ અને સ્થિરતાને શ્રદ્ધાંજલિ. 'એક પેડ મા કે નામ'માં ભાગ લેવા માટે મારા મિત્ર, પ્રધાનમંત્રી ડૉ. નવીન રામગુલામના હૃદયથી કરવામાં આવેલા કાર્યથી હું અભિભૂત છું. તેમનું સમર્થન હરિયાળા અને સારા ભવિષ્ય પ્રત્યેની આપણી સહિયારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.'
આજે મંગળવારે વડાપ્રધાન મોદીએે પેમ્પલમૌસિસના સર શિવસાગર રામગુલામ બોટનિકલ ગાર્ડન્સ ખાતે સર શિવસાગર અને સર અનિરૂદ્ધ જગન્નાથની સમાધિમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પુષ્પાંજલિ અર્પણ સમારોહમાં પ્રધાનમંત્રી મોદી સાથે મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પીએમ મોદીએ મોરેશિયસની પ્રગતિ અને ભારત-મોરેશિયસ સંબંધો માટે મજબૂત પાયો બનાવવામાં બંને નેતાઓના અમીટ વારસાને યાદ કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા માધ્મય 'X' પર ભોજપુરી ભાષામાં એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, 'મોરેશિયસમાં મારું યાદગાર સ્વાગત થયું. જેમાં સૌથી મહત્ત્વપૂર્ણે ગાઢ સાંસ્કૃતિક જોડાણ, ગીતો અને ગાયકોના પ્રદર્શનમાં જોવા મળતું હતું. મોરેશિયસની સંસ્કૃતિમાં મહાન ભોજપુરી ભાષા હજુ પણ ખીલી રહી છે અને જીવંત છે તે પ્રશંસનીય છે.'
વડાપ્રધાન મોદી આવતીકાલે બુધવારે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ સમારોહમાં ભારતીય નૌકાદળના જહાજ સાથે ભારતીય સંરક્ષણ દળોની ટુકડી પણ ભાગ લેશે. 2015 પછી વડાપ્રધાન મોદીની મોરેશિયસની આ પહેલી મુલાકાત છે. વડાપ્રધાન મોદીની વર્તમાન મુલાકાત વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવાની અપેક્ષા છે.