પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી UAEના પ્રમુખ અને UN ચીફ સહિત અનેક વૈશ્વિક નેતાઓને મળ્યાં
Live TV
-
પ્રધાનમંત્રીએ લખ્યું કે, “COP-28 સમિટમાં હાજરી આપીને આનંદ થયો, જે વૈશ્વિક ક્લાઈમેટ એક્શન માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે COP-28 વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પ્રમુખ મોહમ્મદ બિન-ઝાયેદ-અલ નાહયાન અને સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સહિત અનેક વૈશ્વિક નેતાઓને મળ્યા હતા.
ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતા પ્રધાનમંત્રીએ લખ્યું કે, “COP-28 સમિટમાં હાજરી આપીને આનંદ થયો, જે વૈશ્વિક ક્લાઈમેટ એક્શન માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. ટકાઉ ભવિષ્ય માટે અર્થપૂર્ણ સંવાદ અને સહકારમાં જોડાવા માટે આતુર છીએ.” તેમણે વધુમાં કહ્યું કે; હું મારા ભાઈ મોહમ્મદ બિન-ઝાયેદ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસનો ઉષ્માભર્યા સ્વાગત માટે આભાર માનું છું.
આ ઉપરાંત પ્રધાનમંત્રીએ જોર્ડનના રાજા અબ્દુલ્લા II, ઉઝબેકિસ્તાન પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ શવકત મિર્જિયોયેવ, તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિ ઈમોમાલી રહેમોન, સંયુક્ત આરબ અમીરાતના ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન-રાશિદ અલ મકતુમ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્કસ રૂટ્ટે સાથે પણ મુલાકાત કરી.
પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટર પર લખ્યું કે, “COP-28માં જોર્ડનના મહામહિમ રાજા અબ્દુલ્લા II ને મળીને આનંદ થયો. અમારી ચર્ચાઓ સમૃદ્ધ હતી અને અમારા દેશોની ગાઢ મિત્રતાને પ્રતિબિંબિત કરતી હતી. અમારા સંબંધોને વધુ મજબૂત કરવા માટે આતુર છીએ.'
તેમણે બીજી પોસ્ટમાં લખ્યું, "દુબઈમાં COP-28 ના સાઈડલાઈન પર ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવ અને તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિ ઈમોમાલી રહેમોન સાથે સફળ વાતચીત રહી."
પ્રધાનમંત્રીએ ટ્વિટર પર લખ્યું હતું કે, UAEના ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમને મળવું એ એક લહાવો હતો. વિવિધ મુદ્દાઓ પર તેમનું દૂરંદેશી નેતૃત્વ ખરેખર પ્રશંસનીય છે.
પ્રધાનમંત્રી મોદીએ બીજી પોસ્ટમાં લખ્યું, "નેધરલેન્ડના મારા મિત્ર માર્ક રુટ્ટે સાથે વિચારોનું આદાનપ્રદાન કરવું હંમેશા તાજગીભર્યું હોય છે."
