પ્રધાનમંત્રી મોદી, શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'મિત્ર વિભૂષણ'થી સન્માનિત
Live TV
-
શ્રીલંકાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'મિત્ર વિભૂષણ'થી સન્માનિત કર્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, શ્રીલંકાના પ્રવાસે છે. શનિવારે પ્રધાનમંત્રી મોદીને શ્રીલંકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'મિત્ર વિભૂષણ' એનાયત કરવામાં આવ્યું. આ નાગરિક સન્માન તેમને, શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે એ કોલંબોમાં આપ્યું હતું. એવોર્ડમાં દર્શાવવામાં આવેલ ધર્મ ચક્ર બંને દેશોની સાંસ્કૃતિક પરંપરાઓને આકાર આપનાર સહિયારા બૌદ્ધ વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. ચોખાના પૂળાઓથી શણગારેલો કળશ સમૃદ્ધિ અને નવીકરણનું પ્રતીક છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ આ સન્માન મેળવીને ખૂબ ગર્વ અનુભવી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ ફક્ત તેમના માટે જ નહીં પરંતુ 140 કરોડ ભારતીયો માટે સન્માન છે. શ્રીલંકા અને ભારત વચ્ચેના સંબંધો અંગે તેમણે કહ્યું કે, શ્રીલંકા માત્ર એક પાડોશી દેશ નથી પણ ભારતનો પરંપરાગત અને વિશ્વસનીય મિત્ર પણ છે. તેમણે કહ્યું કે, ભારત દરેક મુશ્કેલ સમયમાં શ્રીલંકાની સાથે ઉભું રહ્યું છે અને ભવિષ્યમાં પણ તેમ જ કરતું રહેશે. દરમિયાન, શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયકે એ, જરૂરિયાતના સમયે શ્રીલંકાને મદદ કરવા અને તેમના દેશ સાથે સતત એકતા દર્શાવવા બદલ પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરી. આ દરમિયાન તેમણે વડા પ્રધાન મોદીને ખાતરી આપી કે, શ્રીલંકા તેના પ્રદેશનો ઉપયોગ કોઈપણ રીતે થવા દેશે નહીં, જે ભારતના સુરક્ષા હિતોને પ્રતિકૂળ અસર કરે.