ફેસબૂકના સીઇઓ માર્ક ઝુકરબર્ગનોખુદનો ડેટા પણ વેચાયો
Live TV
-
કરોડો યુઝર્સના ડેટાલીકના વિવાદમાં થોડા દિવસોથી જોરદાર ટીકાનો સામનો કરી રહેલા ફેસબૂકના સીઇઓ માર્ક ઝુકરબર્ગે બુધવારે બીજા દિવસે અમેરિકન કોંગ્રેસ સામે તેમના પ્રશ્નોના જવાબ આપવા હાજર થયા
કરોડો યુઝર્સના ડેટાલીકના વિવાદમાં થોડા દિવસોથી જોરદાર ટીકાનો સામનો કરી રહેલા ફેસબૂકના સીઇઓ માર્ક ઝુકરબર્ગે બુધવારે બીજા દિવસે અમેરિકન કોંગ્રેસ સામે તેમના પ્રશ્નોના જવાબ આપવા હાજર થયા ત્યારે એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે બદઇરાદાયુક્ત થર્ડ પાર્ટીને યુઝર્સ જે ડેટા વેચાયો હતો તેમાં તેમનો પોતાનો ડેટા પણ હતો. તેમના આ ખુલાસાથી હાજર સૌ અચંબામાં પડી ગયા હતા. ઝુકરબર્ગે થર્ડ પાર્ટી તરીકે ઉલ્લેખ કર્યો તે બદનામ કેમ્બ્રિજ એનાલિટિકાના સંદર્ભમાં હતો. આ કંપનીના કારણે છેલ્લા થોડા સપ્તાહથી ફેસબૂકની આબરૂ અને વિશ્વાસનું ધોવાણ થયું છે.
યુઝર્સ અને તેમના મિત્રોના ડેટાની પણ ચોરી
બુધવારે પૂછપરછના બીજા દિવસે ઝુકરબર્ગે કેલિફોર્નિયાના ડેમોક્રેટ અન્ના ઇશૂના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ફેસબૂકે જણાવ્યું છે કે 2,70,000 યુઝર્સે પર્સનાલિટી ક્વિઝમાં ભાગ લીધો ત્યારે 8.7 કરોડ લોકોના પર્સનલ ડેટાની ચોરી થઇ હતી અને આ માત્ર તેમના જ પર્સનલ ડેટા ન હતા પરંતુ બહારની એપ મારફત પ્રવેશેલા તેમના મિત્રોના ડેટાનો પણ તેમાં સમાવેશ થતો હતો. કેમ્બ્રિજ એનાલિટિકાએ આ ડેટા મેળવ્યો હતો અને વિશ્વમાં વિવિધ દેશોમાં યોજાયેલી ચૂંટણીઓ પર અસર પાડવા તેનો ઉપયોગ કર્યો હતો.
ફેસબૂક માટે રેગ્યુલેશન અનિવાર્યઃ ઝુકરબર્ગ
માર્ક ઝુકરબર્ગે જણાવ્યું કે તે માને છે કે આ ઇન્ડસ્ટ્રીમાં રેગ્યુલેશન હોવું `અનિવાર્ય' છે. ફેસબૂક પર પ્રાઇવસી સ્કેન્ડલ્સ અને રશિયાની દરમિયાનગીરી વચ્ચે બંને પાર્ટીના લો મેકર્સે ફેસબૂક અને અન્ય સોશ્યલ મીડિયા કંપનીઓના સંભવિત રેગ્યુલેશનનો પ્લાન રજૂ કર્યો છે. રેગ્યુલેશન કેવા પ્રકારનું છે તેની વિગતો બહાર આવી નથી. ઝુકરબર્ગે બુધવારે કહ્યું કે અમુક પ્રકારનું રેગ્યુલેશન હોય તે અનિવાર્ય છે, છતાં તેણે સાવચેત સૂરમાં કહ્યું હતું કે લો મેકર્સે તેમના હેતુમાં કાળજી રાખવાની જરૂર પડશે.