ભારત-અમેરિકા વચ્ચે દિલ્હીમાં આજથી બે દિવસીય બેઠકનો પ્રારંભ
Live TV
-
ભારત અને અમેરિકા વચ્ચે આજે દિલ્હી ખાતે નવીન ઊભરતી ટેક્નોલોજી સંદર્ભમાં બીજી વાર્ષિક બેઠક આજથી શરુ થશે. બે દિવસ ચાલનારી આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન બંને દેશો દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોની સમીક્ષા કરશે.
ભારત અને અમેરિકા વચ્ચે ઊભરતી ટેક્નોલોજીના સંદર્ભમાં બીજી વાર્ષિક બેઠક આજથી નવી દિલ્હીમાં યોજાવા જઈ રહી છે. અગાઉ ગત વર્ષે વોશિંગ્ટનમાં બંને દેશો વચ્ચે યોજાયેલી બેઠક દરમિયાન જે મુખ્ય પ્રોજેક્ટસ ચર્ચામાં લેવાયા હતા તે તમામ મુખ્ય પ્રોજેક્ટસ પર આ બે દિવસીય બેઠકમાં વ્યાપક સમીક્ષા હાથ ધરવામાં આવશે. આ સમીક્ષામાં તેજસ માર્ક-ટુ ફાઈટર એરક્રાફ્ટ માટે જેટ એન્જિન સંબંધિત ટેક્નોલોજીના ટ્રાન્સફરનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત બંને દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો સંરક્ષણ ઐદ્યોગિક સહયોગ માટે નવા માળખા પર પણ ચર્ચા કરશે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય જેટ એન્જિન અને અન્ય મહત્વપૂર્ણ સિસ્ટમ્સના સંયુક્ત વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. ભારત સાથે સ્થિતિસ્થાપક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈન બનાવવાના સંયુક્ત પગલા પર પણ વિચારણા થાય તેવી સંભાવના છે. આ ઉપરાંત, સ્પેસ કો-ઓપરેશન, ક્વોન્ટમ કોમ્પ્યુટીંગ અને આધુનિક ટેલિકોમ્યુનિકેશન જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.
અમેરિકાના સુરક્ષા સલાહકાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ. જયશંકર તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે.