મહિલા T20 વર્લ્ડ કપ: ડેની વ્યાટની ધમાકેદાર ઇનિંગ, ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 38 રને હરાવ્યું
Live TV
-
મહિલા T20 વર્લ્ડ કપ 2026ની 22મી મેચમાં ઈંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરતા વેસ્ટ ઈન્ડિઝને 38 રને હરાવ્યું છે. લોર્ડ્સના મેદાન પર ઈંગ્લેન્ડે આપેલા 187 રનના ટાર્ગેટનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને માત્ર 148 રન જ બનાવી શકી હતી.
વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ: ચિનેલ હેનરીના પ્રયાસો નિષ્ફળ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેપ્ટન હેલી મેથ્યુઝ 17 બોલમાં માત્ર 14 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. અનુભવી ખેલાડી ડિયેન્ડ્રા ડોટિન પણ કંઈ ખાસ કરી શકી નહોતી. જૈનિલિયા ગ્લાસગો 6 રન બનાવી ચાર્લી ડીન દ્વારા ક્લીન બોલ્ડ થઈ હતી, જ્યારે શેમેન કેમ્પબેલ 20 રને સોફી એક્લેસ્ટોનનો શિકાર બની હતી. જાહઝારા ક્લેક્સટન પણ સારી શરૂઆતનો લાભ ઉઠાવી શકી નહોતી અને 21 રને આઉટ થઈ હતી.જોકે, અંતિમ ઓવરોમાં ચિનેલ હેનરીએ 30 બોલમાં 51 રનની અણનમ ઇનિંગ રમીને મેચમાં જીવ પૂરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ટીમને વિજય અપાવી શકી નહોતી. હેનરીએ પોતાની આ ઈનિંગમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી બોલિંગમાં ચાર્લી ડીને 31 રન આપી 2 વિકેટ ઝડપી હતી, જ્યારે લોરેન બેલ અને લિન્સે સ્મિથે એક-એક વિકેટ મેળવી હતી.
ઈંગ્લેન્ડની ઈનિંગ: ડેની વ્યાટ અને હીથર નાઈટનો દબદબો
અગાઉ, ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 186 રન બનાવ્યા હતા. એમી જોન્સ 8 રન અને સોફી ડંકલે 14 રન બનાવી સસ્તામાં આઉટ થઈ ગઈ હતી. 38 રનમાં 2 વિકેટ પડ્યા બાદ ડેની વ્યાટ અને એલિસ કેપ્સીએ મોરચો સંભાળ્યો હતો. બંનેએ ત્રીજી વિકેટ માટે 66 રનની ભાગીદારી નોંધાવી હતી. કેપ્સીએ 23 બોલમાં 28 રન બનાવ્યા હતા. ડેની વ્યાટે શાનદાર ફોર્મ બતાવતા 42 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 65 રન ફટકાર્યા હતા.અંતિમ ઓવરોમાં કેપ્ટન હીથર નાઈટે માત્ર 26 બોલનો સામનો કરીને 43 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી, જેમાં તેણે 7 ચોગ્ગા ફટકાર્યા હતા. ચાર્લી ડીન 3 બોલમાં 9 રન બનાવી અણનમ રહી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી અશ્મિની મુનિસારે 2 વિકેટ ઝડપી હતી.
