રશિયા દ્વારા અપહરણ કરાયેલા યુક્રેનના બાળકોને માતા - પિતા પાસે ફરી લવાયા
Live TV
-
યુદ્ધના પરિણામમાં ભલે ગમે તે દેશની જીત થાય, પરંતુ કુણા માનસ પર અંકિત ઘટનાઓ હર-હંમેશ માટે ડરામણી રહેશે
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં બંને પક્ષ ભારે ખુવારી વેઠીને પણ નમતુ જોખવાના મૂડમાં નથી. લોહીયાળ સંઘર્ષ વચ્ચે યુક્રેનના લોકોને એક મોટી રાહત મળી છે.
યુધ્ધ દરમિયાન યુક્રેનના ખારકીવ વિસ્તારમાંથી બાળકોનુ અપહરણ કરવામાં આવ્યુ હતુ અને આ બાળકો હવે સહીસલામત યુક્રેન પાછા આવ્યા છે અને તેઓ પોતાના માતા પિતા પાસે પહોંચી ગયા છે. સેવ યુક્રેન સંગઠનના અહેવાલ અનુસાર 31 બાળકો યુક્રેન પાછા લાવવામાં એક મોટા ઓપરેશન બાદ સફળતા મળી છે. આ બાળકોને રશિયામાં લઈ જવાયા હતા. જ્યાં તેમને ઉંદરો અને વંદા સાથે રહેવા માટે મજબૂર કરાયા હતા. બાળકોને વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા હતા. રશિયામાં કોઈએ તેમના માતા પિતાને શોધવા માટે તસ્દી લીધી નહોતી. પાંચ મહિનામાં તેમને પાંચ અલગ અલગ જગ્યાએ લઈ જવાયા હતા. જ્યાં તેમને બહુ ખરાબ સ્થિતિમાં રાખવામાં આવ્યા હતા.
'સેવ યુક્રેન'ના પ્રમુખ માયકોલા કુલેબાના કહેવા અનુસાર રશિયામાં જ્યાં આ બાળકોને રખાયા હતા તેને રશિયાની સરકાર સમર કેમ્પ ગણાવે છે. ગયા વર્ષે હુમલા બાદ 20,000 બાળકોને અપહરણ કરીને યુક્રેનથી રશિયા લઈ જવાયા હોવાના અહેવાલો વહેતા થયા હતા. આ બાળકોનો આંકડો યુક્રેન દ્વારા જાહેર કરાયો હતો.
બીજી તરફ રશિયા પહેલેથી જ કોઈ બાળકોનુ અપહરણ કરાયુ હોવાની વાતનો ઈનકાર કરતુ આવ્યુ છે. રશિયાનો દાવો હતો કે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને હુમલા સમયે બાળકોને આ વિસ્તારમાથી ખસેડવામાં આવ્યા હતા.
દરમિયાન યુક્રેન પાછા આવેલા બાળકોના તેમના માતા પિતા સાથેના મિલને ભારે ભાવુક દ્રશ્યો સર્જયા હતા. જોકે હજી પણ હજારો બાળકો રશિયામાં જ હોવાનો દાવો થઈ રહ્યો છે. જેમના પાછા આવવા પર સવાલો યથાવત છે.
