સ્લોવાકિયાએ PM મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ'થી સન્માનિત કર્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ સન્માન માટે હું સ્લોવાકિયાના લોકો અને સરકારનો આભારી છું, જે ભારતના 140 કરોડ લોકોનું છે
સ્લોવાકિયાએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ' (ફર્સ્ટ ક્લાસ)થી સન્માનિત કર્યા છે. વૈશ્વિક સ્તરે ભારતની વધતી જતી શાખ અને મજબૂત વિદેશ નીતિની સાબિતી આપતું આ કોઈ પણ વિદેશી રાષ્ટ્ર દ્વારા પીએમ મોદીને આપવામાં આવેલું 33મું સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય સન્માન છે.
'ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ' (ફર્સ્ટ ક્લાસ) એ સ્લોવાક રિપબ્લિકનું સૌથી પ્રતિષ્ઠિત અને સર્વોચ્ચ રાજ્ય સન્માન છે. આ વિશેષ પુરસ્કાર સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ દ્વારા માત્ર એવા વિદેશી મહાનુભાવોને જ એનાયત કરવામાં આવે છે, જેમણે સ્લોવાકિયા સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ ગાઢ અને મજબૂત બનાવવામાં પોતાનું અસાધારણ યોગદાન આપ્યું હોય. આ ઉપરાંત, વિદેશ નીતિના હિતોને પ્રોત્સાહન આપવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને ઉત્કૃષ્ટ સમર્થન પૂરું પાડવા બદલ પણ આ સર્વોચ્ચ સન્માન એનાયત થાય છે. પીએમ મોદીને મળેલો આ પુરસ્કાર વૈશ્વિક મંચ પર ભારતના પ્રભાવશાળી નેતૃત્વ અને ભારત-સ્લોવાકિયા વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધોની નવી ઊંચાઈઓને દર્શાવે છે.
PM મોદીએ સ્લોવાકિયાના લોકો-સરકારનો આભાર વ્યક્ત કર્યો
સ્લોવાકિયાએ PM મોદીને પોતાના સર્વોચ્ચ સન્માનથી નવાજીને ભારતનું ગૌરવ વધાર્યું છે. સ્લોવાકિયા પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદીનું દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત થવું એ ભારત માટે એક મોટી રાજદ્વારી ઉપલબ્ધિ છે. આ સન્માન મળ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ સ્લોવાકિયાના લોકો અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ આ સન્માન બંને દેશો વચ્ચેની ગાઢ મિત્રતાને સમર્પિત કર્યું છે.
પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (X) પર લખ્યું, "બ્રાતિસ્લાવામાં 'ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ (ફર્સ્ટ ક્લાસ)' મેળવીને સન્માનિત અનુભવી રહ્યો છું. આ સન્માન માટે હું સ્લોવાકિયાના લોકો અને સરકારનો આભારી છું, જે ભારતના 140 કરોડ લોકોનું છે. હું આ એવોર્ડ ભારત અને સ્લોવાકિયા વચ્ચેની મિત્રતાને સમર્પિત કરું છું.”
