અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કુલ 3,742 કેસ સક્રિય
Live TV
-
કોરોનાનો નવો વેરિયન્ટ JN.1 છેલ્લા થોડાં સમયથી દેશભરમાં ઘણા દર્દીઓમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વિદેશથી પરત આવનાર લોકોમાં તેનું પ્રમાણ નોંધવામાં આવ્યું છે. અત્યાર સુધી દેશમાં કોરોનાના કુલ 3,742 કેસ સક્રિય જોવા મળ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના સક્રિય કેસ તરીકે 656 નો આંકડો નોંધાયો છે. જ્યારે 4 લોકોના મૃત્યુ થયા છે. આ સંજોગોમાં આરોગ્ય મંત્રાલય દ્વારા દેશના નાગરિકોને તકેદારીરૂપે સતર્ક રહેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે કેરળમાં સૌથી વધુ સક્રિય કેસ નોંધાયા છે અને 52% સંક્રમણ વધ્યું છે. 19 નવેમ્બરથી 17 ડિસેમ્બર વચ્ચે 8 લાખ 50 હજાર કેસ નોંધાયા હતા અને 3,000 લોકોના મોત નિપજ્યાં હતા. 41 દેશોમાં JN.1 વેરિયન્ટ જોવા મળી રહ્યો છે. જેમાં ફ્રાંસ, અમેરિકા, બ્રિટેન, સીંગપુર, કેનેડા અને સ્વીડનમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. ભારતમાં 22 ડિસેમ્બર સુધીમાં આ નવા વેરિયન્ટના 23 કેસ નોંધાયા છે.
આ વેરિયન્ટથી બચવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં લોકોને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવા, દૂષિત હવાવાળા સ્થળોએ માસ્કનો ઉપયોગ કરવાની અને એકબીજાથી સલામત અંતર રાખવાની સલાહ આપવામાં આવી છે.
આ વેરિયન્ટ માટે 18 ડિસેમ્બરે બહાર પડેલા કેન્દ્ર સરકારના જાહેરનામા મુજબ બધાં જ જિલ્લાઓને કોવિડ ટેસ્ટ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.