Skip to main content
Settings Settings for Dark

અમરનાથ યાત્રા પર PM મોદીએ લખ્યો શ્રદ્ધાળુઓને પત્ર, સુરક્ષિત યાત્રા અને પાંચ સંકલ્પોનું કર્યું આહ્વાન

Live TV

X
  • અમરનાથ યાત્રાના પ્રારંભના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાળુઓના નામે એક વિશેષ પત્ર જાહેર કરી તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. જેમાં તેમણે કહ્યું છે કે, 'જમ્મુ-કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રામાં સામેલ થવું એ પોતાનામાં ખૂબ જ મોટું સૌભાગ્ય છે. જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે થયેલી પ્રથમ પૂજા સાથે જ ભક્તો માટે બાબા બરફાનીના દર્શનનો ક્રમ શરૂ થઈ જાય છે. દેશના ખૂણે-ખૂણેથી શ્રદ્ધાળુઓ આ પાવન યાત્રામાં સામેલ થવા માટે તત્પર રહે છે.'

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પત્ર શેર કર્યો છે. જેમાં તેમણે લખ્યું, 'પ્રિય શ્રદ્ધાળુઓ, હર હર મહાદેવ! જય બાબા બરફાની! જમ્મુ-કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રામાં સામેલ થવું એ પોતાનામાં ખૂબ જ મોટું સૌભાગ્ય છે. જમ્મુ-કાશ્મીરમાં સ્થિત પવિત્ર અમરનાથ ધામની યાત્રામાં સામેલ થવું એ દરેક શિવભક્ત માટે સૌભાગ્યનો વિષય છે અને બાબા બરફાનીના દર્શન લાખો શ્રદ્ધાળુઓના જીવનનો અતુલ્ય અનુભવ હોય છે.'

    પ્રધાનમંત્રીએ કહ્યું કે, 'અમરનાથ યાત્રા માત્ર એક ધાર્મિક યાત્રા નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક એકતા અને સનાતન પરંપરાનું જીવંત ઉદાહરણ છે. દેશના વિવિધ રાજ્યો, ભાષાઓ અને પરંપરાઓ સાથે જોડાયેલા શ્રદ્ધાળુઓ એક જ આસ્થા સાથે બાબા અમરનાથના દર્શન માટે પહોંચે છે. તેમણે યાત્રાના સફળ સંચાલન માટે અમરનાથજી શ્રાઈન બોર્ડ, જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓની પ્રશંસા કરી. સાથે જ ભારતીય સેના, CRPF, જમ્મુ-કાશ્મીર પોલીસ, ITBP, BSF, NDRF, તબીબો, આરોગ્ય કર્મચારીઓ, વહીવટી અધિકારીઓ, સફાઈ કર્મચારીઓ અને સેવામાં જોડાયેલા તમામ સ્વયંસેવકોનું વિશેષ રૂપે અભિનંદન કર્યું.'

    પત્રમાં પ્રધાનમંત્રીએ જમ્મુ-કાશ્મીરના સ્થાનિક નાગરિકોની આતિથ્ય પરંપરાના પણ વખાણ કરતાં તેમણે કહ્યું કે, 'યાત્રા દરમિયાન સ્થાનિક લોકો શ્રદ્ધાળુઓનું આત્મીય સ્વાગત કરે છે, જ્યારે દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓ ભંડાર અને લંગરના માધ્યમથી નિઃસ્વાર્થ સેવાની મિસાલ પેશ કરે છે. આ ભાવના ભારતીય સંસ્કૃતિના ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ ના આદર્શને સાકાર કરે છે.'

    પ્રધાનમંત્રી મોદીએ શ્રદ્ધાળુઓને પાંચ મહત્ત્વપૂર્ણ સંકલ્પ લેવાનો આગ્રહ પણ કર્યો. તેમણે યાત્રા માર્ગ પર સ્વચ્છતા જાળવવા, વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓની સૂચનાઓનું પૂર્ણ નિષ્ઠા સાથે પાલન કરવા તથા વરસાદ અને ઠંડીથી સાવધાની રાખવાની અપીલ કરી. આ ઉપરાંત ‘વોકલ ફોર લોકલ’ હેઠળ યાત્રાના ખર્ચના ઓછામાં ઓછા 10 ટકા સ્થાનિક ઉત્પાદનોની ખરીદી પર ખર્ચ કરવાનો આગ્રહ કર્યો, જેથી જમ્મુ-કાશ્મીરના લોકોની આજીવિકાને મજબૂતી મળે.

    તેમણે રક્ષાબંધનના અવસરે ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ ભાઈ કે બહેનને એક છોડ ભેટ આપવા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવાની પણ અપીલ કરી. સાથે જ ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના સાથે પોતાના કર્તવ્યોનું પ્રામાણિકતાથી પાલન કરતા વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવાનું આહ્વાન કર્યું. પ્રધાનમંત્રી વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ વર્ષની અમરનાથ યાત્રા આસ્થા, સેવા, સાંસ્કૃતિક એકતા અને રાષ્ટ્રીય ભાવનાનો ભવ્ય ઉત્સવ બનશે. તેમણે બાબા અમરનાથને પ્રાર્થના કરી કે તમામ શ્રદ્ધાળુઓના જીવનમાં નવી ઊર્જા, નવી ચેતના અને આધ્યાત્મિક શક્તિનો સંચાર થાય અને તમામની યાત્રા સુરક્ષિત અને મંગલમય રહે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply