જાપાન-ભારત સંબંધોને વધુ ઊંચાઈએ લઈ જઈશું: પ્રધાનમંત્રી તાકાઈચી
Live TV
-
જાપાનના પ્રધાનમંત્રી સાનાએ તાકાઈચીએ ગુરુવારે(2 જુલાઈ) જણાવ્યું હતું કે, તેઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન-ભારત સંબંધોને વધુ ઊંચાઈએ લઈ જશે. પ્રધાનમંત્રી મોદી દ્વારા આયોજિત રાત્રિભોજનમાં હાજરી આપ્યા બાદ તાકાઈચીએ X પર લખ્યું હતું કે, 'પ્રધાનમંત્રી મોદી સાથે આપણે કેળવેલા વિશ્વાસના પાયા પર આવતા વર્ષે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠ નજીક આવી રહી છે ત્યારે અમે જાપાન-ભારત સંબંધોને વધુ ઊંચાઈએ લઈ જઈશું,'
તેમણે ઉમેર્યું, 'અગાઉ મને પ્રધાનમંત્રી મોદી દ્વારા આયોજિત રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. અમારી ઔપચારિક વાતચીતથી અલગ એક હળવા વાતાવરણમાં પ્રધાનમંત્રી મોદી અને મેં માત્ર જાપાન-ભારત સંબંધો અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ વિશે જ નહીં, પરંતુ આપણા બંને દેશોની સંસ્કૃતિ અને ભોજન તેમજ એકબીજાના દેશો પ્રત્યેની અમારી અંગત લાગણીઓ વિશે પણ ખુલીને ચર્ચા કરી, જેનાથી અમને વ્યક્તિગત સ્તરે પરસ્પર વિશ્વાસ વધુ ગાઢ બનાવવાની તક મળી.'
પ્રધાનમંત્રી તાકાઈચીએ આભાર વ્યક્ત કર્યો કરતાં જણાવ્યું કે, 'ભારતની ગૌરવપૂર્ણ, સમૃદ્ધ ભોજન સંસ્કૃતિ અને પ્રધાનમંત્રી મોદીએ ઉષ્માભર્યા અને આદર સાથે સ્વાગત કરવા માટે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.' વધતી જતી વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ગાઢ દ્વિપક્ષીય સહકારની જરૂરિયાત પર ભાર મૂકતા, પ્રધાનમંત્રી તાકાઈચીએ કહ્યું હતું કે, 'જાપાન અને ભારતે સંયુક્ત સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે પોતપોતાની શક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ.'
નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે તેમની વાતચીત બાદ પ્રધાનમંત્રી મોદી સાથેની સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા જાપાનના પ્રધાનમંત્રીએ ઉષ્માભર્યા આતિથ્ય બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને પ્રધાનમંત્રી મોદી દ્વારા તેમને 'સુંદર નાની બહેન' તરીકેના સંબોધન પર આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે બંને દેશોના દ્રષ્ટિકોણ સમાન છે અને તેઓ 'ભાઈ-બહેન' તરીકે સંબંધો મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે.
તાકાઈચીએ જણાવ્યું હતું કે, 'જાપાન અને ભારતે સાથે મળીને વધુ મજબૂત અને સમૃદ્ધ બનવા માટે આપણી શક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ. આંતરરાષ્ટ્રીય બાબતોમાં અંધાધૂંધી વચ્ચે, આવા પરસ્પર પૂરક સહકારી સંબંધોની સ્થાપના વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે.'
