આજથી 66 વર્ષ પહેલા પોલિયોની રસી શોધવામાં આવી હતી, જાણો કેટલીક વાતો પોલિયો અને તેની રસી વિશે
Live TV
-
66 વર્ષ પહેલા આજનાં જ દિવસે એક ભયાનક બીમારીની સામે લડવાનું સાધન મળ્યું, એ બીમારી હતી પોલિયો અને તેની સામે લડવાનું સાધન એટલે ડૉ. જોનાસ સાલ્ક દ્વારા શોધાયેલ વેક્સિન. હાલની સ્થિતિમાં પણ આપણે બાળકોને પોલીઓની રસી અપાવીએ છીએ તો સૌ પ્રથમ જાણીયે પોલિયો છે શું?
પોલિયો એટલે કે પોલિયોમાઈલેટીસ. એ ખાસ પ્રકારનાં વાઈરસથી થતો રોગ છે. જે જ્ઞાનતંતુ પર અસર કરે છે જેથી સ્નાયુમાં લકવો થાય છે. ખાસ કરીને હાથ-પગનાં સ્નાયુ પર ખાસ અસર કરે છે અને પગમાં કે કમરથી નીચેનાં ભાગમાં લકવાની અસર રહી જાય છે. આવા લકવાગ્રસ્ત એક કે બંને પગનો વિકાસ અન્ય સાજા પગની સરખામણીએ ઓછો વિકસીત રહી જાય છે અને તેના સ્નાયુઓ કોઈ કામ કરવાને સક્ષમ હોતા નથી. બાદમાં ઓપરેશન કે દવાથી પણ આ ખોટ સારી કરી શકાતી નથી.ન્યુયોર્ક સિટીમાં જન્મેલા ડો. સાલ્ક અમેરિકન વાયરોલોજિસ્ટ અને તબીબી સંશોધક હતા. જેમણે એક સમયના ઘાતક અને પડકારજનક ચેપી રોગ જેણે વિશ્વભરના લાખો બાળકોને તેના શિકાર બનાવ્યા હતા તે બીમારી સામે લડવા માટેનું હથિયાર આપ્યું હતું. 12 એપ્રિલ 1955ના દિવસે ડૉ.જોનાસ સાલ્ક દ્વારા શોધાયેલ તે રસીને સલામત અને અસરકારક જાહેર કરવામાં આવી. મહત્વની વાત એ છે કે, રસીના વૈશ્વિક વિતરણને મહત્તમ બનાવવા માટે તેમણે રસીની પેટન્ટ ન લેવાની અને તેનાથી કોઈ નફો ન લેવાનું પસંદ કર્યું હતું. US અને સમગ્ર વિશ્વમાં રસીકરણ માટે તાત્કાલિક ધસારો શરૂ થયો. 8 જેટલા દેશોએ સૉલ્કની રસીનો ઉપયોગ કરીને પોલિયો રસીકરણ ઝુંબેશ શરૂ કરી હતી. 1959 સુધીમાં ડૉ. સાલ્કની રસી લગભગ 90 દેશોમાં પહોંચી ગઈ હતી. 25 વર્ષથી ઓછા સમય પછી USમાં પોલિયોનું સ્થાનિક ટ્રાન્સમિશન સંપૂર્ણપણે ખતમ થઈ ગયું હતું.
પરંતુ જેટલું સરળ આ દેખાય છે તેનાથી ભયંકર સ્થિતિનો સામનો વિશ્વ કરી રહ્યું હતું. ઉપચાર માટે બાળકોને આયર્ન લંગ કહેવાતા ધાતુના ચેમ્બરમાં સુવાડવા પડતાં. આ ચેમ્બરમાં દિવસોથી માંડીને મહિનાઓ, વર્ષો અને કેટલાક કિસ્સાઓમાં આખી જિંદગી પણ કાઢી નાંખવી પડતી. આ ચેમ્બરમાં નેગેટિવ એર પ્રેશર ઊભું કરીને મેકેનિકલ બ્રિધિંગ કરાવાતું. આ સમયમાં આધુનિક વેન્ટિલેટર ન હતા. આ ચેમ્બરમાં આવ્યા પછી પેશાબ, પાણી, બીજી દવાઓ, ઈંજેકશન, બ્લડ ટ્રાન્સફ્યુજ્ન કરવું કેટલું મુશ્કેલીભર્યું હશે એ કલ્પી શકાય એમ નથી. 1950ના દાયકામાં અમેરિકની હોસ્પિટલો આવા આયર્ન લંગથી ઉભરાઇ ગઈ હતી. પણ એ જ દાયકામાં જોનાસ સાલ્ક પોલિયોની વેક્સિન શોધી નાંખી અને આવનારી અડધી સદીમાં દુનિયા પોલિયો વાયરસ સામે ફરી વળે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રયત્નો અને વિવિધ દેશોની સરકારોના મક્કમતા સાથે રસીકરણ અભિયાને વિશ્વને પોલિયોથી બચાવ્યું છે. છેલ્લા 7-8 વર્ષથી ભારત પોલિયો મુક્ત છે. વર્ષ 1981માં ભારતમાં પોલીયોના 38090 કેસ સામે આવ્યા હતા જે 1987 મા ઓછા ઘટીને 28,264 થયા હતા. 2009માં વિશ્વમાંથી સૌથી વધુ 741 પોલીયોના કેસ ભારતમાં હતા. વર્ષ 2010માં આ સંખ્યા 43 સુધી સીમિત રહી હતી. 27 માર્ચ 2014ના દિવસે WHOએ ભારતને પોલિયો મુક્ત જાહેર હતું.
હવે આપણે એ પણ જાણી લઈએ કે કોઈ દેશને પોલિયો મુક્ત ક્યારે માનવામાં આવે છે?
જ્યારે કોઈ દેશમાં ચાર વર્ષ સુધી પોલિયોનો કોઈ નવો કેસ સામે આવતો નથી તો તે દેશને પોલિયો મુક્ત માનવામાં આવે છે. આફ્રિકામાં માત્ર નાઇજીરીયામાં પોલિયો વાયરસ હતો. ત્યાં વર્ષ 2016 થી કોઈ નવો કેસ બહાર આવ્યો નથી. વર્ષ 1996 માં આખા આફ્રિકામાં લગભગ 75 હજાર બાળકો પોલિયોના શિકાર હતા. આફ્રિકાને પોલિયો વાયરસ મુક્ત જાહેર કર્યા પછી માત્ર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જ એવા દેશો હશે જ્યાં પોલિયો વાયરસ સક્રિય છે. એટલે કે, દુનિયામાં હવે પોલિયો ફક્ત બે દેશો (પાકિસ્તાન અને અફઘાનિસ્તાન) માં બાકી છે.
