આજે શીખ સમુદાયના 10મા ગુરુ અને ખાલસા પંથના સંસ્થાપકશ્રી ગુરુ ગોવિંદસિંહજીની જન્મ જયંતિ
Live TV
-
આજે શીખ સમુદાયના 10મા ગુરુ અને ખાલસા પંથના સંસ્થાપકશ્રી ગુરુ ગોવિંદસિંહજીની જન્મ જયંતિ છે. તેઓ એક મહાન યોધ્ધા, કવિ, ભકત, અને આધ્યાત્મીક ગુરૂ હતાં. તેમણે વર્ષ 1699માં વૈશાખીના દિવસે ખાલસા પંથની સ્થાપના કરી હતી. જે શીખોના ઇતિહાસનો મહત્વનો દિવસ માનવામાં આવે છે. શીખ સમુદાય આ દિવસને પ્રકાશ પર્વ તરીકે ઉજવે છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાઇડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રકાશપ્રર્વના પ્રસંગે ગુરૂ ગોવિંદસિંહને નમન કર્યા હતા. ટ્વિટ સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ શ્રી ગોવિંદસિંહને પ્રકાશપર્વ નિમિતે નમન કરે છે. તેમનું જીવન ન્યાયપૂર્ણ અને સમરસ સમાજ બનાવવા માટે સમર્પિત હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સિધ્ધાંતો પ્રત્યે તેમની આસ્થા અતુટ હતી. અમે તેમના સાહસ અને બલિદાનને યાદ કરીએ છીએ. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કેટલીક તસવીરો અને વિડિયો શેર કર્યા છે. તો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વિટર પર ગુરૂ ગોવિંદસિંહને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આજના દિવસે ગુરૂદ્વારામાં કીર્તન અને ગુરૂવાણીના પાઠ થાય છે. શીખ સમુદાય દ્વારા પ્રભાતફેરી અને લંગરનું આયોજન કરવામાં આવે છે. ગુરૂ ગોવિદસિંહનો પ્રકાશ પર્વ આજે પટનામાં હર્ષ-ઉલ્લાસ સાથે ઉજવાઇ રહ્યો છે. દેશ વિદેશથી શ્રધ્ધાળુઓ અહી આવી રહ્યાં છે.
