આજે સરદાર પટેલની પુણ્યતિથિ પર પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ સ્મરણાંજલિ કરી અર્પણ
Live TV
-
આજે 15 ડિસેમ્બર સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહપ્રધાન લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, તેમજ રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહીતના મહાનુભાવોએ તેમને સ્મરણાંજલિ અર્પણ કરી છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, સરદાર પટેલને તેમની પુણ્યતિથિએ યાદ કર્યા. ભારત તેમની સ્મારક સેવા, તેમની વહીવટી કુશળતા અને આપણાં રાષ્ટ્રને એક કરવા માટેના અથાક પ્રયાસો માટે હંમેશા તેમનો આભારી રહેશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, દરેક ભારતીયના હૃદયમાં વસતા દેશની એકતા અને અખંડિતતાના અદ્ભુત શિલ્પી લોખંડી પુરૂષ સરદાર પટેલના જીવનની દરેક ક્ષણ ભારતમાં એક રાષ્ટ્રની ભાવનાને જાગૃત કરવા માટે સમર્પિત હતી. તેમના વિચારો હંમેશા દેશને માર્ગદર્શન આપશે. આવા મહાન યુગપુરુષ અને રાષ્ટ્ર ગૌરવના ચરણોમાં વંદન. જયારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતના પનોતા પુત્ર, મહાન સ્વાતંત્ર્ય સેનાની અને ભારતવર્ષની એકતાના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ પર કોટિ કોટિ નમન.
