આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ જીવનને સુધારવા માટે થઈ શકે છે - રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીના 111મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. રાટ્રપતિએ આ સમારોહમાં જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ જીવનને વધારે સારું બનાવવા માટે કરી શકાય છે, જોકે ડીપફેક્સ જેવી ટેક્નોલોજી પણ સામાજિક ખતરો ઉભી કરે છે. તેમણે કહ્યું હતું કે, શિક્ષણમાં નૈતિકતાને સમાવીને આ સમસ્યાને દૂર કરવી શક્ય છે. આ પ્રસંગે યુનિવર્સિટીના ચાન્સેલર રમેશ બૈસ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ચંદ્રકાત પાટીલ પણ હાજર હતા.
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ટુકડોજી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહમાં ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે છે અને યુનિવર્સિટીના 80 હજાર વિદ્યાર્થીઓમાંથી 50 ટકાથી વધુ છોકરીઓ છે. આ યુનિવર્સિટીના 29 પીએચડી વિદ્યાર્થીઓમાં છોકરીઓની સંખ્યા 57 ટકા છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, તુકડોજી યુનિવર્સિટીની ગૌરવપૂર્ણ પરંપરા છે અને આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રાજકારણ, વિજ્ઞાન, ન્યાયતંત્ર અને સમાજ સેવાના ક્ષેત્રોમાં પોતાની છાપ છોડી રહ્યા છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિમ્હા રાવ, ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ એમ. હિદાયતુલ્લા અને શરદ બોબડે આ યુનિવર્સિટીની પ્રતિભાઓમાં સામેલ છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પણ આ યુનિવર્સિટીના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ મુર્મુએ એમ પણ કહ્યું હતું કે, આ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીને વૈશ્વિક શ્રેષ્ઠતાનું કેન્દ્ર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. રાષ્ટ્રપતિએ અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અપનાવવા બદલ યુનિવર્સિટી અને તમામ હિતધારકોનો આભાર માન્યો હતો.
