આસામ અને પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્વક થયું પૂર્ણ
Live TV
-
વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં આસામની 12 જિલ્લાની 47 બેઠક માટે અંદાજે 72.16 ટકા અને પશ્ચિમ બંગાળની 5 જિલ્લાની 30 બેઠકો માટે અંદાજે 79.27 ટકા મતદાન થયું
આસામ અને પશ્ચિમ બંગાળમાં ગઈકાલે વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું. આસામમાં કુલ 126 બેઠકો પર 3 તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ગઈકાલે પહેલા તબક્કામાં 12 જિલ્લાની 47 બેઠકો પર મતદાન થયું હતું. આ ક્ષેત્રમાં 23 મહિલાઓ સહિત 264 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતાં. આસામમાં કાલે યોજાયેલ પ્રથમ તબક્કાના મતદાનમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 47 બેઠકો માટે આશરે 72.16 ટકા મતદાન થયું છે.
મધ્ય આસામનાં ત્રણ જિલ્લાઓ સોનીતપુર, વિશ્વનાથ અને નવગાવની 13 બેઠકો પર કાલે પહેલા તબક્કાનું મતદાન થયું છે. સાથે જ આસામનાં અન્ય 9 જિલ્લા ગોલાઘાટ, જોરહાટ, માજોલી, શિવસાગર, ચરાઈદેવ, લખીનપુર, ભેમાજી, દીબ્રુગઢ અને તીનસુકિયા જિલ્લાની 34 બેઠકો માટે કાલે મતદાન થયું છે. આ 47 બેઠકોના મત વિસ્તારમાં કુલ 81 લાખ 9 હજાર 815 મતદારો છે. આ પ્રથમ તબક્કાના મતદાન માટે કુલ 11 હજાર 537 મતદાનમથકો તૈયાર કરાયા હતા.
આસામ ઉપરાંત ગઈકાલે પશ્ચિમ બંગાળમાં પણ કાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું. મતદાનના આ પહેલા તબક્કામાં કુલ 5 જિલ્લાની 30 બેઠકો પર ગઈકાલે શાંતિપૂર્વક મતદાન પૂર્ણ થયું હતું. પશ્ચિમ બંગાળમાં કાલે યોજાયેલ પ્રથમ તબક્કાના મતદાનમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 79.27 ટકા મતદાન થયું છે.
પશ્ચિમ બંગાળના પુર્વી મેદનીપુરની 7, પશ્ચિમી મેદનીપુરની 6, ઝારગ્રામની 4, પુરુલીયાની 9 અને બાકુરા જિલ્લાની 4 બેઠકો માટે ગઈકાલે મતદાન થયું છે. આ 30 બેઠકોના મત વિસ્તારમાં કુલ 73 લાખ 92 હજાર 709 મતદારો છે. પશ્ચિમ બંગાળમાં બપોરના 3 વાગ્યા સુધીમાં બાંકુરામાં 52.11 ટકા, ઝારગ્રામમાં 52.77 ટકા, પશ્ચિમી મેદિનીપુરમાં 49.35 ટકા, પૂર્વી મેદિનીપુરમાં 38.81 ટકા મતદાન થયું છે.
