ઈસરોના સૌથી મોટા રોકેટે 36 ઉપગ્રહોને સફળતાપૂર્વક લોન્ચ કર્યા
Live TV
-
ISROના સૌથી મોટા LVM-3 રોકેટે રવિવારે સવારે વનવેબના 36 ઉપગ્રહોને સફળતાપૂર્વક અવકાશમાં છોડ્યા. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી રવિવારે સવારે 09 વાગ્યે 43.5 મીટર લાંબા રોકેટથી તેને લોન્ચ કરવામાં આવ્યું હતું.
ISROએ જણાવ્યું હતું કે લગભગ 20 મિનિટના લિફ્ટ-ઓફ પછી, તમામ 36 ઉપગ્રહોને પ્રક્ષેપણ વાહનથી અલગ કરવામાં આવ્યા હતા અને તબક્કાવાર રીતે 450 કિમીની ઊંચાઈએ પૃથ્વીની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા હતા. 36 ઉપગ્રહોનું કુલ વજન અંદાજે 5,805 કિલોગ્રામ હતું.
વનવેબ ગ્રુપ અને ઈસરો વચ્ચે કરાર
બ્રિટનના નેટવર્ક એક્સેસ એસોસિએટ્સ લિમિટેડ (વનવેબ ગ્રુપ) એ પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં 72 ઉપગ્રહો પ્રક્ષેપિત કરવા માટે ઈસરોની કોમર્શિયલ યુનિટ ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ સાથે કરાર કર્યું છે. આ કરાર હેઠળ 36 ઉપગ્રહો અવકાશમાં છોડવામાં આવી રહ્યા છે. 36 વનવેબ ઉપગ્રહોનો પ્રથમ સેટ 23 ઓક્ટોબર, 2022ના રોજ LVM3-M2/OneWeb India-1 મિશનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
વ્યવસાયિક પ્રક્ષેપણમાં સીમાચિહ્નરૂપ
ઈસરોએ કહ્યું કે આ લોન્ચ કંપની માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. વનવેબ ટૂંક સમયમાં તેનું વૈશ્વિક કવરેજ શરૂ કરવા માટે તૈયાર થશે. વનવેબ હાલમાં ભ્રમણકક્ષામાં 582 ઉપગ્રહો ધરાવે છે. 36 ઉપગ્રહોના બીજા પ્રક્ષેપણ પછી, વનવેબ ઉપગ્રહોની કુલ સંખ્યા 618 પર પહોંચી જશે. વનવેબ ભારત સહિત વૈશ્વિક કવરેજ પ્રદાન કરવા માટે નોંધપાત્ર પગલું ભરશે.
ISROના હેવી સેટેલાઇટ વ્હીકલએ સારું પ્રદર્શન કર્યું
જ્યારે ઈસરોના અધ્યક્ષ ડૉ. સોમનાથ મિશન કંટ્રોલ સેન્ટરના વૈજ્ઞાનિકોને સંબોધિત કરતી વખતે સફળ મિશન માટે NSIL, ISRO અને OneWebને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે શ્રેણીના પ્રથમ 16 ઉપગ્રહોને યોગ્ય ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા છે. બાકીના ઉપગ્રહોની પુષ્ટિ ટૂંક સમયમાં પ્રાપ્ત થશે. તેમણે વૈજ્ઞાનિકોને કહ્યું કે ISROના હેવી સેટેલાઇટ વ્હીકલએ સારું પ્રદર્શન કર્યું અને અવકાશયાનને યોગ્ય ભ્રમણકક્ષામાં મૂક્યું. તેમણે આ લોન્ચ વ્હીકલની વિશ્વસનીયતા સફળતા પર કામ કરવા માટે ઈસરોના વૈજ્ઞાનિકોનો પણ આભાર માન્યો હતો.
LVM-3 ISROનું સૌથી ભારે રોકેટ કેરિયર
તમને જણાવી દઈએ કે LVM-3 એ ISROના સૌથી ભારે રોકેટ કેરિયર વ્હીકલ GSLVMK-IIIનું નવું નામ છે, જે ભ્રમણકક્ષામાં સૌથી ભારે ઉપગ્રહોને સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે. ગયા મહિને સફળ SSLV-D2/EOSO7 મિશન પછી ISRO માટે 2023 માં આ બીજું પ્રક્ષેપણ છે.
