ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી લહેર, આગામી બે દિવસ સુધી ગાઢ ધુમ્મસની રહેવાની સંભાવના
Live TV
-
ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી લહેરનો માહોલ વધી ગયો છે. આ સાથે મંગળવારે સવારે દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું હતું.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી બે દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના અલગ-અલગ સ્થળોએ ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની આગાહી કરી છે.
જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં અલગ-અલગ સ્થળોએ ધુમ્મસની પણ શક્યતા છે. આગામી ચાર દિવસ દરમિયાન કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને લક્ષદ્વીપમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગની વેબસાઇટ અનુસાર, મંગળવારે સવારે 8:30 વાગ્યે દિલ્હીમાં તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગે બાકીના દિવસોમાં આકાશ સ્વચ્છ રહેવાની આગાહી કરી છે. જો કે, દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં રહેશે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં સવારે 7 વાગ્યે એર ક્વોલિટી ઈન્ડેક્સ 372 નોંધાયો હતો.