ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ: ગૃહમંત્રી અમિત શાહે સશસ્ત્ર દળોના અદ્વિતીય શૌર્યને કર્યા નમન
Live TV
-
'ઓપરેશન સિંદૂર'ના સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થવા અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સશસ્ત્ર દળોના અદમ્ય સાહસ અને શૌર્યને બિરદાવ્યા છે.
તેમણે આ મિશનને ભારતનું એક ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ મિશન ગણાવ્યું હતું.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા અમિત શાહે જણાવ્યું કે, 'ઓપરેશન સિંદૂર' ભારતનું એક યુગાંતરકારી મિશન છે. તે આપણા દુશ્મનોને ભારતીય સશસ્ત્ર દળોની અચૂક પ્રહાર ક્ષમતાની હંમેશા યાદ અપાવતું રહેશે.તેમણે ઉમેર્યું કે ઇતિહાસ આ દિવસને સશસ્ત્ર દળોની સચોટ મારક ક્ષમતા, ગુપ્તચર એજન્સીઓની તીક્ષ્ણ બુદ્ધિ અને દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિના ત્રિવેણી સંગમ તરીકે યાદ રાખશે.
આ ત્રણેય શક્તિઓએ ભેગા મળીને સીમા પારના આતંકવાદી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યા હતા.પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર હુમલો કરનારા આતંકીઓને પાઠ ભણાવવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગૃહમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે દુશ્મનો ગમે ત્યાં છુપાયેલા હોય, તેઓ ભારતની નજર અને પ્રચંડ મારક ક્ષમતાથી બચી શકશે નહીં.પહેલગામ આતંકી હુમલાના જવાબમાં 7 મે, 2025ના રોજ 'ઓપરેશન સિંદૂર' શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ભારતીય ત્રણેય સેનાઓએ અભૂતપૂર્વ વ્યાવસાયિકતા અને સચોટતાનું પ્રદર્શન કરીને પાકિસ્તાનની અંદર રહેલા આતંકી માળખાને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
