ઓપરેશન સિંદૂરમાં ભારતનો અસાધારણ વિજય વીર સૈનિકોના અદભૂત પરાક્રમનું ઉદાહરણ: પ્રધાનમંત્રી મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'ઓપરેશન સિંદૂર'ની પ્રથમ વર્ષગાંઠ પર દેશના વીર સૈનિકોના અદભૂત પરાક્રમ અને દેશભક્તિને નમન કર્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, એક વર્ષ બાદ પણ આતંકવાદને હરાવવા અને તેને પોષનારા સમગ્ર તંત્રને નેસ્તનાબૂદ કરવાના અમારા સંકલ્પ પર અમે પહેલાની જેમ જ અડગ છીએ.
સેનાના શૌર્યને સલામ
ગુરુવારે(7 મે) સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પ્રધાનમંત્રી લખ્યું કે, "એક વર્ષ પહેલા 'ઓપરેશન સિંદૂર' દરમિયાન આપણી સેનાઓએ અદ્વિતીય સાહસ, ચોકસાઈ અને દ્રઢ સંકલ્પનું પ્રદર્શન કર્યું હતું. તેમણે પહેલગામમાં નિર્દોષ ભારતીયો પર હુમલો કરવાનું દુસ્સાહસ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો. સમગ્ર રાષ્ટ્ર આપણા વીર જવાનોના શૌર્યને સલામ કરે છે."પ્રધાનમંત્રી વધુમાં ઉમેર્યું કે, આ ઓપરેશન આતંકવાદ વિરુદ્ધ ભારતની મક્કમ પ્રતિક્રિયા અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેના અતૂટ સંકલ્પને દર્શાવે છે. આ અભિયાને આપણી સેનાઓની વ્યાવસાયિક ક્ષમતા, સજ્જતા અને ત્રણેય પાંખો વચ્ચેના સંકલનને ઉજાગર કર્યું છે. સાથે જ સંરક્ષણ ક્ષેત્રે 'આત્મનિર્ભરતા'ની ઝુંબેશને કારણે રાષ્ટ્રીય સુરક્ષા કેટલી મજબૂત થઈ છે તે પણ રેખાંકિત કર્યું છે.
આ ખાસ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ એક પ્રેરણાદાયી સંસ્કૃત સુભાષિત પણ શેર કર્યું,
"ઉદીર્ણમનસો યોધા વાહનાનિ ચ ભારત।
યસ્યાં ભવન્તિ સેનાયાં ધ્રુવં તસ્યાં જયં વદેત્।।"
તેનો અર્થ સમજાવતા તેમણે લખ્યું કે, "જે સેનાના યોદ્ધાઓ ઉત્સાહિત અને ઉચ્ચ મનોબળ ધરાવતા હોય તથા જેમના સાધનો (શસ્ત્રો) પણ સજ્જ હોય, તે સેનાનો વિજય નિશ્ચિત છે."નોંધનીય છે કે, 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. આ હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ 6 અને 7 મેના રોજ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું, જેમાં પાકિસ્તાનની અંદર છુપાયેલા અનેક આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
