કર્ણાટકમાં 13 ધારાસભ્યોના રાજીનામા મામલે વિધાનસભા સ્પીકરના નિર્ણયની રાહ
Live TV
-
કર્ણાટકમાં સ્પીકરે કહ્યું ધારાસભ્યોની વાત સાંભળ્યા બાદ લેશે કોઈ નિર્ણય- 13 માંથી 8 ધારાસભ્યોના રાજીનામા , નિયમથી વિરૂદ્ધ- બાકી 5 ધારાસભ્યોને મળવા આપ્યો સમય - ભાજપે કર્યો બહુમતનો દાવો.
કર્ણાટકમાં ગઠબંધન સરકાર પર , હજી સંકટના વાદળ ઘેરાયેલા છે. આજે મળેલી કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં , કોઈ બળવાખોર વિધાનસભ્ય હાજર રહ્યા ન હતા. બેઠક પછી પત્રકારોને સંબોધતાં કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે સ્પીકરને આગ્રહ કરવામાં આવશે કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ તમામ બળવાખોર વિધાનસભ્યોને ગેરલાયક જાહેર કરે.
આ સાથે જ આ સમગ્ર ઘટનાક્રમમાં બધાની નજર વિધાનસભા અધ્યક્ષ તરફ મંડાઈ છે. સ્પીકરનું કહેવું છે , કે જે 13 ધારાસભ્યોએ રાજીનામાઆપ્યા છે , તે પૈકી 8 ના રાજીનામા , નિયમ 202 મુજબના ફોર્મેટમાં નથી. તેથી તે રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો છે.
આ આઠ ધારાસભ્યોને રાજીનામા આપવા જ હોય તો ફરી આપવા પડશે. બાકીના પાંચ પૈકી 3 ધારાસભ્યને , 12 જુલાઈ સુધી અને 2ને 15 જુલાઈ સુધી મળવાનો સમય આપ્યો છે. આ બધા વચ્ચે 12 જુલાઈથી , વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યું છે. સ્પીકરના નિર્ણય માટે 15 જુલાઈ સુધી પ્રતિક્ષા કરવી પડશે.
કુલ 224 ધારાસભ્યોની સંખ્યા ધરાવતી વિધાનસભામાં , કોંગ્રેસ-જેડી ગઠબંધન પાસે, હવે માત્ર 103 સભ્યો બચ્યા છે. આ સંજોગોમાં સરકાર લઘુમતીમાં આવી હોવાનું જણાવી , મુખ્યમંત્રી એચ.ડી. કુમાર સ્વામી પર રાજીનામું આપવા દબાણ વધી રહ્યું છે. વિરોધ પક્ષ ભાજપ પાસે હાલમાં 107 સભ્યોનું સમર્થન છે. ભાજપ બહુમતી હોવાનો દાવો કરી રહી છે.
