કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ
Live TV
-
કર્ણાટક વિધાનસભા માટે 31 જિલ્લાની 224 બેઠકો માટેનું મતદાન આજે સવારથી શરૂ થઈ ગયું છે. જે સાંજે છ વાગ્યા સુધી થશે. 224 બેઠકો માટે બે હજાર 615 ઉમેદવારોના રાજકીય ભાવિનો ફેંસલો થશે. જેમાં 184 મહિલા ઉમેદવાર અને 2,430 પુરુષ ઉમેદવાર મેદાનમાં છે. પાંચ કરોડ 38 લાખ 85 હજારથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. રાજ્યમાં 37 હજાર 777 સ્થળોએ 58 હજાર, 545 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રથમવાર મતદારોની સંખ્યા 11 લાખ, 71 હજાર, 558 છે. સુચારૂ મતદાન માટે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્રણ લાખથી વધુ ચૂંટણી કર્મચારીઓ, 84,000 રાજ્ય પોલીસ કર્મચારીઓ અને 58,000 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના જવાનો આજે સુરક્ષા ફરજ માટે તૈનાત છે. મતદાન મથકોમાં રેમ્પ, પીવાનું પાણી, શૌચાલય, વિશ્રામ કેન્દ્રો અને પાર્કિંગની સુવિધા પૂરી પાડવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ દ્વારા કર્ણાટકની જનતાને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બેંગલુરુના વિજય નગરમાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા બી.એસ.યેદીયુરપ્પાએ શિવમોગાના શિકારીપુરામાં મતદાન કર્યું હતું. કર્ણાટકના હાલના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ હુબલીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સવારના નવ વાગ્યા સુધી 8.26 ટકા મતદાન નોંધાયું હતું.
