કિલી પોલથી માંડીને માતૃભાષા સુધીના વિવિધ વિષયો પર PM મોદીએ કરી 'મન કી બાત'
Live TV
-
આજે "મન કી બાત" કાર્યક્રમના 86માં સંસ્કરણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સાથે વિવિધ મુદ્દે પોતાના વિચારો રજૂ કર્યા હતા. જેમાં ખાસ કરીને તમિલનાડુ તથા બિહારથી ચોરાયેલી વર્ષો જૂની પ્રતિમાઓને વિદેશથી પરત લાવવામાં મળેલી સફળતાનો તેમને ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત તેમણે સોશિયલ મીડિયામાં ટૂંકા ગાળામાં ચર્ચિત બનેલા તાન્ઝાનિયાના ભાઈ-બહેનને પણ બિરદાવ્યા હતા. તો વધુમાં તેમણે પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચેલી મહિલાઓની ભૂમિકાને પણ બિરદાવી હતી. દર વર્ષે 28મી ફેબ્રુઆરીના રોજ ઉજવાતા વિજ્ઞાન દિવસને યાદ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાલીઓને બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની અપીલ કરી હતી. દેશ્માં અનેક તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે સ્થાનિક લોકો પાસેથી જરૂરી ચીજ-વસ્તુઓની ખરીદી કરવાની પણ અપીલ કરી હતી.
વિગતે જોઈએ તો, પ્રધાનમંત્રી મોદીએ તમિલનાડુ તથા બિહારમાંથી ચોરાયેલી ઐતિહાસિક પ્રતિમાઓ અને મૂર્તિઓને વિદેશથી પરત લાવવામાં ભારતને મળેલી સફળતાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, બિહારમાંથી ચોરાયેલી હજારો વર્ષ જુની અવલોકિતેશ્વર પદ્મપાણિની પ્રતિમા ભારત ઈટાલીથી પરત લાવ્યું છે.
ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયામાં ચર્ચાયેલા તાન્ઝાનિયાના ભાઈ-બહેન કિલી પોલ અને નીમા પોલને બિરદાવતા કહ્યું હતું કે, ભારતીય સંગીત પ્રત્યેની તેમની આત્મિયતા વખાણવા લાયક છે. તાજેતરમાં જ વાયરલ થયેલ ભારતના રાષ્ટ્રગીત અને લતાદીદીના ગીતના વીડિયોના પણ વખાણ કર્યા હતા. તો તાન્ઝાનિયા સ્થિત ભારતીય દૂતાવાસમાં આ ભાઈ-બહેનનું સન્માન કરવામાં આવ્યું હતું, તેને પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું.
મન કી બાતના આ માધ્યમથી દેશના યુવાઓને પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, હાલમાં સોશિયલ મીડિયા પર અનેક યુવાનો શોર્ટ વિડીયો બનાવતા હોય છે. જેમાં તેઓ વિદેશ ટ્રેન્ડને ફોલો કરતા હોય છે. તેમણે દેશના આવા નવયુવાનોને ભારતીય ભાષાઓના જાણીતા ગીતો પર વીડિયો બનાવવાની અપીલ કરી હતી અને કહ્યું કે, આવા વીડિયો દ્વારા તમે પ્રખ્યાત થઇ શકો છો.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભાષા માત્ર અભિવ્યક્તિનું નહીં પરંતુ સમાજની સાંસ્કૃતિક વિરાસત સાચવવાનું પણ કામ કરતી હોય છે. જેને આગળ વધારતા પ્રધાનમંત્રી મોદીએ ભારતીયો 121 માતૃભાષાઓ સાથે જોડાયા હોવાની કરી વાત કરી હતી, તેમજ 2019 માં હિન્દી વિશ્વની ત્રીજા ક્રમે બોલાતી ભાષા હોવાની વાતને ગર્વની ક્ષણ ગણાવી હતી.
આગામી 8મી માર્ચન રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ મહિલા દિવસ ઉજવવામાં આવશે. આ દિવસને યાદ કરતા પ્રધાનમંત્રીએ પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીના મોરચે પહોંચેલી મહિલાઓની ભૂમિકાને બિરદાવી હતી. તો ગત પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મહિલાઓ દ્વારા રજૂ કરાયેલ ફાઈટર પ્લેનના કરતબને પણ તેમને યાદ કરીને સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ ગણાવ્યું હતું. આ ઉપરાંત સૈનિક શાળાઓમાં દીકરીઓના પ્રવેશ પરની પાબંધી હટાવી લેવાયાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
ટ્રીપલ તલાક કાયદા બાદ દેશમાં તલાક મામલે 80 ટકાનો ઘટાડો થયો હોવાનો મન કી બાતમાં પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. તો દીકરીઓ અધવચ્ચે જ શાળાઓ ન છોડી દે તેનું ધ્યાન રાખવાની બાબતને પ્રધાનમંત્રીએ આપણી જવાબદારી ગણાવી હતી. સાથે જ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મહિલાઓને મળેલ સુવિધાની પણ તેમને વાત કરી હતી.
આવતીકાલ એટલે કે 28મી ફેબ્રુઆરીએ દરવર્ષે ઉજવાતા વિજ્ઞાન દિવસને પણ પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતમાં યાદ કર્યો હતો. બાળકોમાં સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ કેળવવાની વાલીઓને અપીલ કરતા કહ્યું હતું કે, ટેકનોલોજી પાછળ છૂપાયેલા વિજ્ઞાન અંગે પણ બાળકોને જાણકારી આપવામાં આવૈ જોઈએ.
કોરોના સામેના જંગમાં ભારતીય વૈજ્ઞાનિકોની ભૂમિકાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિરદાવતા કહ્યું કે, તેમના મક્કમ પ્રયાસો દ્વારા જ મૅડ ઈન ઈન્ડિયા વેક્સિનનું નિર્માણ થઈ શક્યું છે.
સૌથી છેલ્લે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તહેવારો દરમિયાન નાગરિકોને સ્થાનિક ઉત્પાદન ખરીદવાની અપીલ કરતા કહ્યું કે, વોકલ ફોર લોકલની મદદથી આસપાસના લોકોના જીવનમાં પણ આપણે રંગ અને ઉમંગ ભરીએ. તો કોરોના કાળમાં સાવચેતી પૂર્વક ઉત્સવોની ઉજવણી કરવાની અપીલ સાથે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી.
