ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી
Live TV
-
જમ્મુ-કાશ્મીરમાં 'ઓરેન્જ એલર્ટ', ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી
સમગ્ર દેશમાં હવામાનમાં આવેલા મોટા પલટાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધીના અનેક રાજ્યોમાં વરસાદ, કરા અને તેજ પવનની ચેતવણી જારી કરી છે.
ઉત્તર ભારતમાં ભારે એલર્ટ
હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં આવતીકાલ સુધી ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતાને પગલે 'ઓરેન્જ એલર્ટ' જારી કર્યું છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને તાપમાનમાં મોટા ઘટાડાની ભીતિ સેવાઈ રહી છે.
કરા સાથે વરસાદની શક્યતા
આજે મેદાની વિસ્તારોમાં પણ કુદરતનો મિજાજ આકરો રહેશે. દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ,હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ,મધ્ય પ્રદેશ (પૂર્વ), છત્તીસગઢ અને ઓડિશા, મહારાષ્ટ્ર (મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડા) રાજ્યોમાં કરા (Hailstorms) સાથે વરસાદ પડવાની સંભાવના છે.
ગુજરાત અને દક્ષિણ ભારતની સ્થિતિ
ગુજરાત સહિત મધ્ય અને દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ વાતાવરણ ડહોળાયેલું રહેશે. આંધ્ર પ્રદેશ, ગુજરાત, તેલંગાણા અને વિદર્ભમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે. આ ઉપરાંત, દરિયાકાંઠાના કર્ણાટક, કોંકણ, ગોવા, તમિલનાડુ, પુડુચેરી, ઝારખંડ અને કેરળમાં પણ હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર-પૂર્વમાં મેઘમહેર
પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તર-પૂર્વીય રાજ્યો (સેવન સિસ્ટર્સ) માં પણ આગામી 24 કલાક દરમિયાન વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. માવઠાની આ સ્થિતિને જોતા લણણી કરેલા પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા અને માર્કેટ યાર્ડમાં માલ ઢાંકીને રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
