ગોવાના પણજીમાં આજથી શરૂ થશે 55મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ
Live TV
-
પણજી, ગોવામાં આજથી 55મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા શરૂ થઈ રહ્યો છે. સાંજે 5 વાગ્યે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમ, પણજી ખાતે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે. ફિલ્મ અભિનેતા અભિષેક બેનર્જી અને ભૂમિ પેડનેકર આ કાર્યક્રમનું સંચાલન કરશે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુએ ઓલ ઈન્ડિયા રેડિયો સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે ઉદ્ઘાટન સમારોહમાં પ્રસાર ભારતી ઓટીટી લોન્ચ કરવામાં આવશે.
આ વર્ષે ઓસ્ટ્રેલિયાને ફેસ્ટિવલમાં સ્પેશિયલ ફોકસ કન્ટ્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેને તેની સાંસ્કૃતિક સિદ્ધિઓ રજૂ કરવાની ખાસ તક મળશે. ઓસ્ટ્રેલિયાના ડાન્સ ગ્રુપના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ત્યાંની સમૃદ્ધ સંસ્કૃતિની ઝલક જોવા મળશે.
ઉદ્ઘાટન સમારોહમાં ભારતના સાંસ્કૃતિક કાર્યક્રમમાં 90ના દાયકાના હિટ ડાન્સ ગીતો પર વિશેષ પ્રસ્તુતિ સામેલ હશે. ‘ટાઇમલેસ સોલ્સ’ શીર્ષકવાળી એક વિશેષ કાવ્યાત્મક રજૂઆત દ્રશ્ય, સંગીત અને કવિતા દ્વારા ભારતીય ફિલ્મ ઉદ્યોગની મહાન હસ્તીઓના યોગદાનને પ્રકાશિત કરશે. માઈકલ ગ્રેસી દ્વારા નિર્દેશિત ‘બેટર મેન’ ફેસ્ટિવલની ઓપનિંગ ફિલ્મ હશે.
ફિલ્મ ફેસ્ટિવલ બધા માટે સુલભ છે તેની ખાતરી કરીને, ફેસ્ટિવલમાં પ્રથમ વખત ભારતીય સાંકેતિક ભાષાના અર્થઘટનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગોવા એન્ટરટેઈનમેન્ટ સોસાયટીના વાઈસ પ્રેસિડેન્ટ સુશ્રી ડેલીલાહ લોબોએ જણાવ્યું હતું કે આ વર્ષે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલને ઈકો-ફ્રેન્ડલી અને સર્વસમાવેશક બનાવવામાં આવ્યો છે.
ઉદઘાટન સમારોહમાં ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈ, દિનેશ વિજન અને ગીતકાર પ્રસૂન જોશી સહિત ભારતીય ફિલ્મ ઉદ્યોગની અગ્રણી હસ્તીઓ હાજર રહેશે.
આ ફિલ્મ ફેસ્ટિવલ આ મહિનાની 28 તારીખ સુધી ચાલશે.