ચંદ્રયાન 2: પ્રધાનમંત્રીનું વૈજ્ઞાનિકોને સંબોધન, કહ્યું,'દેશને તમારા પર ગર્વ, અમે તમારી સાથે'
Live TV
-
નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોમાં જુસ્સાનો સંચાર થાય તે માટે બેંગલુરુના ઈસરો કેન્દ્રથી સંબોધન કર્યું હતું.
મિશન ચંદ્રયાન પોતાના ધ્યેય સુધી ન પહોંચી શક્યું અને છેલ્લી ક્ષણો પર વિક્રમનો સંપર્ક તૂટી ગયો હતો. ભારતના મહત્વાકાંક્ષી સ્પેસ મિશન ચંદ્રયાન 2ના વિક્રમ લેન્ડરનો ચંદ્ર પર પગ રાખતાં પહેલા ઈસરો સાથેનો સંપર્ક તૂટ્યો હતો. ચંદ્રની સપાટી પર ઉતરતાં પહેલા 2.1 કિલોમીટર પહેલા વિક્રમના સિગ્નલ ઈસરોને મળતાં બંધ થઈ ગયાં હતાં. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોમાં જુસ્સાનો સંચાર થાય તે માટે સંબોધન કર્યું હતું.
પીએમ મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધારતા કહ્યું કે,'જ્યારે હું જોઈ રહ્યો હતો કે સંપર્ક તૂટી ગયો હતો...હું જોઈ રહ્યો હતો કે તમારા ચહેરાઓ મૂરઝાઈ ગયાં છે.. જોકે, આ કોઈ સામાન્ય ઉપલબ્ધિ નથી. દેશને તમારા પર ગર્વ છે. તમારી આ મહેનતે ઘણું જ શીખડાવ્યું છે.'
પ્રધાનમંત્રીએ બેંગલુરુના ઈસરો કેન્દ્રથી ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધારતા કહ્યું હતું કે પરિણામ એ પોતાની જગ્યાએ છે પરંતુ તમારી પ્રતિબદ્ધતા વખાણવાલાયક છે અને તમારા આ કાર્યએ દેશની પ્રગતિમાં સિંહફાળો આપ્યો છે. હજુ પણ તમારુ સર્વશ્રેષ્ઠ આવવાનું બાકી છે. ઈસરો એ ક્યારેય હાર ન માનનારી સંસ્કૃતિનું જીવતું જાગતું ઉદાહરણ છે.
પ્રધાનમંત્રીએ પણ એ કહ્યું હતું કે આજે ચંદ્રમાને સ્પર્શ કરવાની ઈચ્છાશક્તિ વધુ દ્રઢ થઈ છે. સંકલ્પ વધુ પ્રબળ બન્યો છે. તમે માખણ પર રેખા કરનાર નહીં પરંતુ પથ્થર પર લીટી દોરનારા છો. તમે બની શકે એટલા નજીક આવ્યાં. હું દરેક વૈજ્ઞાનિકના કુટુંબને પણ સલામ કરું છું. તેમણે મૌન રહીને પણ વૈજ્ઞાનિકોને ઘણો જ મહત્વનો સપોર્ટ આપ્યો છે.
આજે ભલે થોડી અડચણો આવી હોય પરંતુ આપણી હિંમત ક્યારેય નબળી પડી નથી પરંતુ વધુ મજબૂત થઈ છે. આજે ભલે આપણા રસ્તામાં એક મુશ્કેલી આવી હોય પરંતુ આપણે ધ્યેયના રસ્તાથી ડગ્યા નથી. આપણે ખૂબ જ મહેનત કરી અને એ જ આપણી સાચી સફળતા છે. પરિણામોથી ડગ્યા વગર જ હંમેશા આગળ વધવું એ જ આપણી સંસ્કૃતિ છે.
હું માનું છું કે જ્ઞાનનો સૌથી મોટો શિક્ષક વિજ્ઞાન હોય છે. વિજ્ઞાનમાં નિષ્ફળતા ક્યારેય હોતી જ નથી. તેમાં હોય છે માત્ર પ્રયોગ અને પ્રયાસ. દરેક પ્રયાસ નવી આશાનો સંચાર કરે છે. ચંદ્રયાનના આખરી પડાવમાં ભલે આશા મુજબ પરિણામો ન આવ્યા હોય પરંતુ હાલ પણ ઓર્બિટર શાનથી ચંદ્રના ચક્કર લગાવી રહ્યું છે. ભારત દુનિયાના મહત્વના સ્પેસ પાવરમાંથી એક છે. જે પાછળ વર્ષોથી ઈસરોમાં કામ કરતાં કર્મચારીઓનું યોગદાન છે.