ચેન્નાઈમાં ભારે વરસાદને કારણે ફ્લાઈટ્સ રદ
Live TV
-
ચક્રવાતી તોફાન 'મિચોંગ'ના કારણે ભારે વરસાદ થઈ રહ્યો છે. ચેન્નાઈ એરપોર્ટના રન-વે પર પાણી ભરાઈ ગયા છે.
ચક્રવાત મિચોંગના કારણે ચેન્નાઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે ચેન્નાઈ એરપોર્ટનો રન-વે પાણીથી ભરાઈ ગયો છે. જેના કારણે એરપોર્ટ પર ફ્લાઈટની કામગીરીને અસર થઈ છે. 11:00 વાગ્યા સુધી એરપોર્ટ પરથી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે જ્યારે કેટલીક ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે.
સત્તાવાર સૂત્રોએ સોમવારે જણાવ્યું કે; ચક્રવાતી તોફાન 'મિચોંગ'ના કારણે ભારે વરસાદ થઈ રહ્યો છે. ચેન્નાઈ એરપોર્ટના રન-વે પર પાણી ભરાઈ ગયા છે. આને ધ્યાનમાં રાખીને ચેન્નાઈ એરપોર્ટે સવારે 9.17 થી 11:00 વાગ્યા સુધી તેની એરસ્પેસ બંધ કરી દીધી છે. ચેન્નાઈ એરપોર્ટથી લગભગ 11 ફ્લાઈટને કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (KIA) તરફ વાળવામાં આવી છે. કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (KIA) બેંગલુરુ શહેરની બહાર 40 કિલોમીટર દૂર દેવનાહલ્લી ખાતે આવેલું છે. તે 4000 એકર વિસ્તારમાં ફેલાયેલું છે.
બીજી તરફ, બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, ચેન્નાઈમાં ઉતરતી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને KIA તરફ વાળવામાં આવી છે. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર ઈન્ડિગો, સ્પાઈસ જેટ, એતિહાદ, ગલ્ફ એર, ફ્લાય દુબઈ, એર ઈન્ડિયા, લુફ્થાંસા અને બ્રિટિશ એરવેઝની ફ્લાઈટ્સ ચેન્નાઈથી બેંગલુરુ ડાયવર્ટ કરવામાં આવી છે. તેમાંથી 10 ડાયવર્ટ કરાયેલી ફ્લાઈટ્સ KIA ખાતે લેન્ડ થઈ ચૂકી છે, જ્યારે વધુ એક માર્ગ પર છે.
નોંધનીય છે કે 2015 દરમિયાન તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં પૂરના કારણે એરપોર્ટને ઓછામાં ઓછા 4 દિવસ માટે બંધ રાખવું પડ્યું હતું.
